પહેલા ૩૨.૫૦ લાખ અને ૫૦ લાખની એન્ટ્રી સુલટાવી વિશ્વાસ જીત્યો, ૨ કલાક માટે ૧ કરોડ લઈ અમદાવાદની મેડાર્ટ કંપનીના માલિક રાજકુમાર પટેલ પરત જ ન કર્યા
Rajkot તા.૨૬ઃ
Rajkotના ગોંડલ રોડ પરની પંચશીલ સોસાયટી નજીક સ્ટેટસ-ટુ એપાર્ટમેન્ટમાં રહેતા અને ગોંડલ માર્કેટ યાર્ડમાં વછરાજ એન્ટરપ્રાઈઝ નામે પેઢી ધરાવતાં હાર્દિકભાઈ કિશોરભાઈ શિયાણી પાસે શેર બજારના આઈપીઓમાં રોકાણના બહાને લીધેલા રૂા. ૧ કરોડની છેતરપિંડી અમદાવાદ સ્થિત સામે મેડાર્ટ કંપનીના માલિક રાજકુમાર પટેલ સામે રાજકોટ શહેર પોલીસમા ફરિયાદ નોંધાઈ છે.
વધુ વિગત મુજબ મૂળ ગોંડલના વતની અને રાજકોટ શહેરના ગોંડલ રોડ પરની પંચશીલ સોસાયટી નજીક સ્ટેટસ-ટુ એપાર્ટમેન્ટમાં રહેતા અને ગોંડલ માર્કેટ યાર્ડમાં વછરાજ એન્ટરપ્રાઈઝ નામે પેઢી ધરાવનાર હાર્દિકભાઈ કિશોરભાઈ શિયાણીએ આરોપી તરીકે અમદાવાદના મેડાર્ટ કંપનીના માલિક રાજકુમાર પટેલ સામે શેરબજારના રોકાણ નામ બહાને રૂપિયા એક કરોડની છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મિત્ર પાર્થ કમલેશભાઈ દોશી અમદાવાદ રહે છે. જેની સાથે રાજકોટ અને ગાંધીનગરમાં સુપર માર્કેટ બનાવવાના છે. ગઈ તા.૪ ઓગસ્ટના રોજ પાર્થભાઈએ કોલ કરી રાજ પટેલ વિશે જણાવી કહ્યું કે, તે શેર બજારમાં ઈન્વેસ્ટ કરે છે, મોટા આઈપીઓમાં રોકાણ કરાવી સારૂ વળતર આપે છે, રાજ પટેલે ફરિયાદીને વોટસએપ કોલ કરી કહ્યું કે, હું સ્વિચ ઈલેકટ્રીક બાઈક કંપનીનો ઓનર છું. સારી કંપનીનો આઈપીઓ આવશે તો કહીશ તેમ કહ્યું હતું.
થોડા દિવસ બાદ પાર્થભાઈએ કોલ કરી રાજ પટેલ બેન્ક ડિટેઈલ માગે તો આપી દેવાનું કહ્યું હતું. રાજ પટેલે કોલ કરતાં પોતાની પેઢીના બેન્ક ખાતાની ડિટેઈલ આપી હતી. રાજ પટેલે કોલ કરી કહ્યું કે, હું હાલ ફોરેન છું, મારા દુબઈથી રૂપિયા આવે તેમ છે, જે તમારા ખાતામાં નખાવું છું, તમે રકમ ઉપાડી મારા માણસને અમદાવાદમાં આપી દેજો. થોડીવાર બાદ તેના ખાતામાં પોતાની કંપનીના ખાતામાંથી રૂા.૩ર.પ૦ લાખ ટ્રાન્સફર કર્યા હતા. જે રકમનું તેણે રાજ પટેલના નામે આંગડિયું કરી આપ્યું હતું. રાજ પટેલને કોલ કરી રૂા.૩ર.પ૦ લાખની એન્ટ્રી સુલટાવવાનું કહેતાં હા પાડી હતી.
ત્યારબાદ તેના કહ્યા મુજબ તેની કંપનીના ખાતામાં રૂા.પ૦ લાખ ટ્રાન્સ્ફર કર્યા હતા. રાજ પટેલના માણસ પલ્કેશે તે રૂા.પ૦ લાખ અમદાવાદમાં તેના પરિચીત આનંદ શાહને આપી દીધા હતા. રાજ પટેલે આઈપીઓમાં રોકાણ કરવા માટે બે કલાક માટે રૂા.એક કરોડ આપવાનું કહેતાં પોતાની પેઢીના ખાતામાંથી તેની કંપનીના એકાઉન્ટમાં આરટીજીએસથી રૂા.એક કરોડ ટ્રાન્સ્ફર કર્યા હતા. પરંતુ બે કલાક પછી રકમ પરત આપી ન હતી. અવાર-નવાર જુદા-જુદા બહાના બતાવતો હતો. આખરે તેના રૂા. એક કરોડ આઈપીઓમાં રોકાણ નહીં કર્યાનું જણાવી દીધું હતું. તેના માણસ પલ્કેશે ઈન્કમટેક્ષની રેઈડ પડયાનું જણાવી મામલો શાંત થયા બાદ રકમ આપી દેવાની વાત કરી હતી. પરંતુ ત્યારબાદથી રાજ પટેલે ફરિયાદીના કોલ ઉપાડવાનું પણ બંધ કરતાં કરી દેતા અંતે આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. આ અંગે વધુ તપાસ આર્થિક ગુના નિવારણ શાખાના પીએસઆઇ એન.આર.રાઠોડ ચલાવી રહ્યા છે.

