Vadodara,તા.૧
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા કડક બજારમાં આજે શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. મુખ્ય માર્ગ પર વેપારીઓ દ્વારા કરાયેલા દબાણ અને લારી-પથારાના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદોને આધારે કોર્પોરેશનની ટીમ કાર્યવાહી કરવા પહોંચી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરે તે પહેલાં જ કેટલાક વેપારીઓ એકત્ર થઈ અધિકારીઓ અને કર્મચારીઓનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો. સ્થળ પર ભારે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને સ્થાનિક વેપારીઓ વચ્ચે ઘર્ષણ થતાં માહોલ તંગ બન્યો હતો.પરિસ્થિતિ એટલી વણસી હતી કે કોર્પોરેશન દ્વારા જપ્ત કરવામાં આવેલા માલસામાન ભરેલી ટ્રકનો ડ્રાઇવરને ટ્રક સ્થળ પર જ મૂકી ત્યાંથી નીકળી જવાની ફરજ પડી હતી. ઘટનાના પગલે થોડા સમય માટે કામગીરી પણ પ્રભાવિત થઈ હતી.
કોર્પોરેશનની ટીમે કાર્યવાહી દરમિયાન કડક બજારમાંથી દબાણરૂપે મુકાયેલા કેરેટ, શેડ તેમજ અન્ય પરચુરણ સામાન જપ્ત કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે જાહેર માર્ગો પર કરવામાં આવેલા દબાણને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ રહી છે અને રાહદારીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે કડક બજારમાં દબાણનો મુદ્દો લાંબા સમયથી વિવાદનો વિષય રહ્યો છે. અગાઉ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ હટાવવાની કામગીરી દરમિયાન વેપારીઓ અને કોર્પોરેશનની ટીમ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ બની ચૂકી છે. અનેક વખત કાર્યવાહી છતાં દબાણ ફરી ઊભું થઈ જતું હોવાથી કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

