Gandhinagar,તા.૧
સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટેનું જાહેર પરીક્ષાઓ (સુધારા) વિધેયક-૨૦૨૬ પસાર થતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેનું સ્વાગત કર્યું છે. મુખ્યમંત્રીએ આ કાયદાને દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરતું ઐતિહાસિક પગલું ગણાવતાં જણાવ્યું કે, મહેનત કરીને પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ન્યાય મળે અને મેરિટના આધારે દરેકને સમાન તક મળે તે માટે પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી અનિવાર્ય છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પરીક્ષા પ્રણાલીમાં ગેરરીતિ કરનારા અને પેપર લીક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે હવે વધુ કડક કાર્યવાહી થશે. નવા કાયદાથી માત્ર વિદ્યાર્થીઓનો વિશ્વાસ જ મજબૂત નહીં બને પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા પણ વધશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે નવા કાયદા હેઠળ પેપર લીક કરનારા માફિયાઓ અને પરીક્ષામાં ગેરરીતિ આચરનારાઓ સામે આકરી સજા, ભારે દંડ અને ઝડપી કાનૂની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ગેરરીતિના કેસોનો ઝડપી નિકાલ થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે અદ્યતન ટેક્નોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવાથી પ્રશ્નપત્રોની સુરક્ષા વધુ મજબૂત બનશે અને પરીક્ષા પ્રક્રિયામાં વિશ્વસનીયતા વધશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરવાની સ્પષ્ટ નીતિ સાથે આગળ વધી રહી છે.
તેમણે કહ્યું કે દેશના યુવાનો જ નવા ભારતના સાચા નિર્માતા છે અને મેરિટના આધારે સમાન તક આપતો આ કાયદો ‘વિકસિત ભારત જ્ર ૨૦૪૭’ના લક્ષ્યને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર પણ **’મેરિટ ફર્સ્ટ’**ના સિદ્ધાંતને સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. રાજ્યમાં યોજાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા જળવાઈ રહે, મહેનતુ ઉમેદવારોને તેમના હક્કની તક મળે અને પેપર લીક જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈ સ્થાન ન મળે તે માટે સરકાર સતત કડક પગલાં લઈ રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા કાયદાના અમલથી પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ વધશે, ગેરરીતિઓ પર અસરકારક નિયંત્રણ આવશે અને યુવાનોને તેમની મહેનતના આધારે સફળતા મેળવવાની વધુ ન્યાયસંગત તક મળશે.

