સજાનું વોરંટ સુરત પોલીસ કમિશનરને મોકલી આપવા હુકમ
Rajkot,તા.24
દાંપત્યજીવનમાં પણ બનાવને પગલે રાજકોટ ખાતે અલગ રહેતી પત્નીનું કોર્ટના હુકમ મુજબનું ભરણપોષણ નહીં ચુકવનાર સુરતવાસી પતિને રાજકોટ ફેમિલી કોર્ટે 260 દિવસની સાદી કેદની સજા ફટકારી સજાનું વોરંટ સુરત પોલીસ કમિશનરને મોકલી આપવા હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ, શહેરમાં રહેતા વૈશાલીબેન મિતેષભાઈ પાઘડારે તેમના પતિ મિતેષભાઈ પાઘડાર વિરૂધ્ધ રાજકોટની ફેમિલી કોર્ટમાં ભરણપોષણ મેળવવાની કરેલ અરજીના કામે ફેમિલી કોર્ટ દ્વારા વૈશાલીબેનને માસિક રૂા.૧૦ હજાર ભરણપોષણ પેટે ચુકવવાનો હુકમ થયો હતો. પરંતુ પતિ મીતેષભાઈ જમનભાઈ પાઘડાર વૈશાલીબેનને ભરણપોષણ ચૂકવતા ન હતા. આથી ચડત ભરણપોષણની રકમ રૂા.૨.૬૪ લાખ વસુલવા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી ચાલી જતાં, અદાલતે પતિ મિતેશ પાઘડારને કોર્ટના હુકમની અવમાનના બદલ 260 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. તેમજ આ સજાના હુકમની અમલવારી અર્થે સજાનું વોરંટ પોલીસ કમિશનર સુરતને મોકલી આપવા હુકમ કર્યો હતો. આ કામે અરજદાર વૈશાલીબેન પાઘડાર તરફે એડવોકેટ કેતન એન. સિંધવા, પંકજ આર. દોંગા, નિશાબેન લાડવા, હેતલબેન પટેલ તથા સાક્ષીબેન મંડીર તથા ભકિતબેન ચાવડા રોકાયા હતા.

