રેરામાં ફરિયાદ પેન્ડિંગ છે ત્યાં જ ડેવલોપરે સાટાખત રદનો દાવો કર્યો,ફ્લેટ ધારકના હક્કોનું રક્ષણ જરૂરી – કોર્ટની ટકોર
Rajkot.તા.24
શહેરના નાનામવા ગામની હદમાં આવેલા ટાઈટન-54 હાઈરાઈઝ પ્રોજેક્ટના વીંગ-સી ના છઠ્ઠા માળના ફ્લેટ નં. 602 ના મામલે સિવિલ કોર્ટે ડેવલોપર્સ સામે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે.દાવાની હકીકત મુજબ ફ્લેટ ખરીદનાર લવજીભાઈ દોમડીયા અને દિપેન દોમડીયાએ ટાઈટન ડેવલોપર્સ પાસેથી ફ્લેટ ખરીદવા 80.55 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જેના અનુસંધાને ડેવલોપર્સે તા.19-10-2019 ના રોજ 85 લાખનો રજિસ્ટર્ડ સાટાખત કરી આપ્યો હતો. આ પ્રોજેક્ટ રેરા હેઠળ નોંધાયેલો છે. ખરીદનારનો આક્ષેપ છે કે સિવિલ, ઈલેક્ટ્રિક સહિતની બાંહેધરીઓ પૂરી કરવામાં આવી ન હતી, જેથી રેરા ઓથોરિટી સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે જેની કાર્યવાહી ચાલુ છે.દરમિયાન ડેવલોપર્સે સિવિલ કોર્ટમાં સાટાખત રદ કરવા દાવો દાખલ કરતા ફ્લેટ ખરીદનારે વકીલ મારફતે કાઉન્ટર ક્લેઈમ દાખલ કરી, ફ્લેટ અન્ય કોઈને વેચાણ, ગીરો કે બક્ષિસ ન કરે તે માટે વચગાળાના મનાઈ હુકમની માંગ કરી હતી.ખરીદનાર પક્ષે દલીલ કરાઈ હતી કે માતબર રકમ લીધા બાદ પણ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી અને ઉલટાનું સાટાખત રદનો દાવો કરાયો છે. આવા સંજોગોમાં ફ્લેટ ધારકના હક્કોનું રક્ષણ કરવા મનાઈ હુકમ જરૂરી છે.બંને પક્ષની દલીલો અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ કોર્ટે ફ્લેટ ધારકની માંગણી ગ્રાહ્ય રાખી ટાઈટન-54 ના ભાગીદારો દર્પણ કયાડા, જેન્તીલાલ વસોયા અને સાવન વરાસડા સામે ફ્લેટનું વેચાણ, ટ્રાન્સફર, ગીરો કે બક્ષિસ ન કરવા કામચલાઉ મનાઈ હુકમનો સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે.ઉપરોકત દાવામાં પ્રતિવાદી વતી રાજકોટના એડવોકેટ મેહુલ વી. મહેતા, સુરેશ ફળદુ, ભૌતીક કાલરીયા, મયંક ગોહેલ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા, જસ્મીન દુધાગરા, ભાવીન ખુંટ, જય પીઠવા, સાહીલ કંટારીયા તથા મદદમાં નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયા હતા.

