ફેક્ટરીઓમાં પાણી ઘૂસતાં મશીનરી અને કાચા માલને નુકસાન, હજારો શ્રમિકોનું કામકાજ પ્રભાવિત
Ahmedabad,તા.૨૭
અમદાવાદ જિલ્લાના સાણંદ ભારે વરસાદ બાદ સર્જાયેલા જળબંબાકારને કારણે ઉદ્યોગોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં અનેક ફેક્ટરીઓમાં ઉત્પાદન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં અંદાજે ૧૦૦ કરોડનું ઉત્પાદન પ્રભાવિત થયું છે. છેલ્લા ત્રણ દિવસથી વીજ પુરવઠો પણ બંધ રહેતાં સ્થિતિ વધુ વિકટ બની છે. આ મુદ્દે રોષે ભરાયેલા ઉદ્યોગકારોએ પાણીના નિકાલ અને વીજળી પૂર્વવત કરવાની માંગ સાથે ‘હલ્લાબોલ રેલી’ યોજી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે સાણંદ ય્ૈંડ્ઢઝ્રમાં ડ્રેનેજ વ્યવસ્થા નિષ્ફળ સાબિત થઈ છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. અનેક કંપનીઓના પ્લાન્ટ, ગોડાઉન અને ઉત્પાદન એકમોમાં પાણી ઘૂસી જતાં મોંઘી મશીનરી, ઇલેક્ટ્રિકલ સાધનો તેમજ લાખો રૂપિયાનો કાચો માલ પાણીમાં પલળી ગયો છે.
પાણી ભરાવાને કારણે સુરક્ષાના કારણોસર સમગ્ર ય્ૈંડ્ઢઝ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. વીજળીના અભાવે તમામ ઉત્પાદન એકમો છેલ્લા ત્રણ દિવસથી બંધ છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે ઉત્પાદન અટકી જવાથી કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને જો પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો નુકસાનનો આંક વધુ વધી શકે છે.
ઉદ્યોગકારોએ આક્ષેપ કર્યો છે કે વરસાદ પહેલાં જરૂરી પ્રી-મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી હોત તો આવી સ્થિતિ સર્જાઈ ન હોત. તેઓએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી, જેના કારણે દર વર્ષે વરસાદી મોસમમાં ઉદ્યોગોને ભારે નુકસાન સહન કરવું પડે છે.
પરિસ્થિતિથી કંટાળેલા ઉદ્યોગકારોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ બેનરો અને સૂત્રોચ્ચારો સાથે ‘હલ્લાબોલ રેલી’ કાઢી હતી. રેલી ય્ૈંડ્ઢઝ્ર વિસ્તારથી શરૂ થઈ વહીવટી કચેરી સુધી પહોંચી હતી, જ્યાં ઉદ્યોગકારોએ તંત્ર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી. તેમણે તાત્કાલિક પાણીનો નિકાલ, વીજ પુરવઠો પુનઃ શરૂ કરવા અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાયમી ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી હતી.
જળબંબાકારની અસર માત્ર ઉદ્યોગો પૂરતી સીમિત રહી નથી. હજારો શ્રમિકો પણ કામકાજ બંધ રહેતાં મુશ્કેલીમાં મુકાયા છે. પાણી ભરાયેલા રસ્તાઓને કારણે ટ્રાન્સપોર્ટેશન અને માલની અવરજવર પણ પ્રભાવિત થઈ છે. ઉદ્યોગકારોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે તંત્ર દ્વારા સ્થિતિ સામાન્ય બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

