તમામ તાલુકાઓમાં એક ઇંચથી ચાર ઇંચ સુધી વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, ખેડૂતોમાં ખુશીનો માહોલ
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧
અમરેલી જિલ્લામાં એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરતાં શુક્રવારે મોડી સાંજથી શરૂ થયેલો વરસાદ સમગ્ર જિલ્લામાં રાતભર ધીમીધારેથી લઈને ધોધમાર વરસ્યો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં એક ઇંચથી ચાર ઇંચ સુધી વરસાદ નોંધાતા શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાનો માહોલ છવાઈ ગયો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ રહ્યું હતું.
અમરેલી શહેરમાં પવન સાથે વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં નદી જેવો દૃશ્ય સર્જાયો હતો, જ્યારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ રાત્રિના સમયે વરસાદે જોર પકડતાં લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી હતી. જો કે બપોર બાદ અમરેલીમાં વરસાદે વિરામ લીધો છે.
રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. હિંડોરણા, છતડીયા, કડિયાળી સહિતના ગામોમાં ઝરમરથી મધ્યમ વરસાદ વરસ્યો હતો, જ્યારે રાજુલા પંથકમાં અંદાજે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
દરિયાકાંઠાના જાફરાબાદ પંથકમાં હેમાળ, ટીંબી, છેલણા, લોર, કડિયાળી, નાગેશ્રી સહિતના ગામોમાં વરસાદ વરસતા ચોમાસાનો માહોલ ફરી જામ્યો હતો. થોડા દિવસના વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો અને ખેતી માટે વરસાદ આશીર્વાદરૂપ બન્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે સતત વરસાદને કારણે ઇમરાન કાતીયારનો પશુ બાંધવાનો પતરાં અને નળીયાનો કાચો શેડ ધરાશાયી થયો હતો. શેડ નીચે પાર્ક કરાયેલું મીની ટ્રેક્ટર દબાઈ ગયું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હોવાથી રાહતનો શ્વાસ લેવાયો હતો.
લાઠી પંથકમાં સારા વરસાદને કારણે નદી-નાળા અને તળાવોમાં નવા પાણીની આવક થઈ હતી. દામનગર ખાતે કુંભનાથ મહાદેવ મંદિર નજીક આવેલું કુંભનાથ તળાવ ઓવરફ્લો થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં પાણીના સ્ત્રોતોમાં નવા પાણીની આવક થતાં ખેડૂતોમાં આશાવાદ જોવા મળી રહ્યો છે.
ગઈકાલ સાંજથી આજે સાંજ સુધીના ૨૪ કલાક દરમિયાન વડિયા ૫૩, બાબરા ૧૦૬, લાઠી ૧૦૩, લીલીયા ૮૦, અમરેલી ૯૦, બગસરા ૩૩, ધારી ૨૪, સાવરકુંડલા ૬૫, ખાંભા ૪૬, જાફરાબાદ ૩૮ અને રાજુલા ૬૦ મી.મી. વરસાદ નોંધાયો હતો.
જિલ્લાભરમાં સારા વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. આગામી દિવસોમાં પણ સારા વરસાદની સંભાવનાને પગલે ખેડૂતોમાં આશા જાગી છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળો પર સતત નજર રાખવામાં આવી રહી છે.

