એકત્વભાવથી તૈયારીઓ અંતિમ તબક્કામાં,ગુજરાત અને મહારાષ્ટ્રના હજારો સ્વયંસેવકો તૈયારીઓમાં જોડાયા..
પ્રેમ-સેવા અને એકત્વના પવિત્ર ભાવોથી ભરપૂર મહારાષ્ટ્રનો ૫૯મો નિરંકારી સંત સમાગમ આગામી તા.૨૪ થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ સુધી પ.પૂ.સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતા રમિતજીના દિવ્ય સાન્નિધ્યમાં શ્રદ્ધા અને ભવ્યતા સાથે આયોજિત કરવામાં આવશે.આ ત્રણ દિવસીય મહા આયોજનની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે,જેમાં ગુજરાતના હજારો સેવાદાર ભક્તો અને મહારાષ્ટ્રના સમર્પિત ભક્તજનોની સાથે-સાથે,નિરંકારી સેવાદારો સંપૂર્ણ નિષ્ઠા-શિસ્ત અને નિઃસ્વાર્થ સેવાભાવ સાથે સમાગમ સ્થળને સુવ્યવસ્થિત,સુસજ્જ અને અત્યંત આકર્ષક સ્વરૂપ આપી રહ્યા છે. આ સંત સમાગમ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના સાંગલવાડી ખાતે આશરે ચારસો એકરના વિશાળ અને ભવ્ય પરિસરમાં યોજાશે.આ દિવ્ય આયોજન અંતર્ગત દરરોજ બપોરે ૨.૩૦થી મુખ્ય સત્સંગ કાર્યક્રમની શરૂઆત થશે,જેમાં દેશ-વિદેશથી આવેલા સંતો-ભક્તો,વક્તાઓ,ગીતકારો અને કવિઓ પ્રભુ-પરમાત્મા તથા સદગુરૂ પ્રત્યેની શ્રદ્ધા,વિચારો અને રચનાઓ દ્વારા ભાવપૂર્ણ અભિવ્યક્તિ રજૂ કરશે.દરેક દિવસનું સમાપન રાત્રે ૯.૦૦ વાગે સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજના પવિત્ર અને પ્રેરણાદાયી આર્શિવચનોથી થશે,જે સમસ્ત શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક માર્ગદર્શનનો સ્ત્રોત બની રહેશે.આ સંત સમાગમમાં ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ ભાગ લેશે.
ચાલુ વર્ષે મહારાષ્ટ્રનો પ્રાંતીય સંત-સમાગમનો મુખ્ય વિષય ‘આત્મ-મંથન’ નક્કી કરવામાં આવ્યો છે, જે આત્મબોધ,આત્મશુદ્ધિ અને માનવીય મૂલ્યોની જાગૃત્તિની દિશામાં સમગ્ર સમાગમને ગહન અને સાર્થક આધ્યાત્મિક પ્રવાહ પૂરો પાડશે. છેલ્લા એક મહિનાથી મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા શ્રદ્ધાળુ ભક્તોની નિષ્કામ અને નિ:સ્વાર્થ સેવાઓથી સમાગમ સ્થળ એક સુવ્યવસ્થિત,ભવ્ય અને મનોહર નગરીનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.સદગુરૂના અમૂલ્ય ઉપદેશોને જીવનમાં આત્મસાત કરીને દરેક ઉંમરના ભક્તો પૂર્ણ શ્રદ્ધા,અનુશાસન અને આત્મિક ઉલ્લાસ સાથે સેવાઓમાં સતત જોડાયેલા છે.
આ સેવાઓનું આ સુંદર અને પ્રેરણાદાયી સ્વરૂપ સામાન્ય લોકો માટે ઉદાહરણરૂપ બની ગયું છે. ભક્તિ-પ્રેમ અને સમર્પણના ભાવથી કરવામાં આવતી આ સેવાઓ એવું અનુપમ દ્રશ્ય રજૂ કરે છે કે જેનો અનુભવ શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી. માનવ કલ્યાણના ઉદ્દેશ્યથી આયોજિત આ દિવ્ય આયોજનમાં ભાગ લેવા માટે સામાન્ય જનતાને નુક્કડ નાટકો,બેનરો તથા સાંગલી-મિરજ મહાનગરની ગલી-મોહલ્લાઓમાં આયોજિત ખુલ્લા સત્સંગો દ્વારા આમંત્રિત કરવામાં આવી રહ્યા છે.સંતોનો એવો પ્રયાસ છે કે વધુને વધુ સંતો-ભક્તો,શ્રદ્ધાળુઓ આ આધ્યાત્મિક ઉત્સવમાં જોડાઈને નિરાકાર પ્રભુનો આશરો લઈ તેમના જીવનને સાર્થક બનાવી શકે.
સંત-સમાગમમાં આવનાર લાખો શ્રદ્ધાળુ ભક્તોની સુવિધા માટે રહેવા માટે ટેન્ટ,વિશાળ ભોજન વ્યવસ્થા,કેન્ટીન,ઔષધાલય,સુરક્ષા વ્યવસ્થા,સુવ્યવસ્થિત પાર્કિંગ તથા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડથી સંત સમાગમ સ્થળે આવવા-જવા માટે યોગ્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.સંત સમાગમ પરિસરમાં સ્વચ્છતા અને સુવ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પ્રકાશન વિભાગ તરફથી વિવિધ સ્થળોએ આધ્યાત્મિક સાહિત્યના સ્ટોલ લગાવવામાં આવ્યા છે,સાથે-સાથે સંત નિરંકારી મિશનના ઇતિહાસ અને માનવીય કાર્યોને દર્શાવતી ચિત્રમય નિરંકારી પ્રદર્શની તથા બાળકો માટે ખાસ ભવ્ય બાળ-પ્રદર્શની પણ લગાવવામાં આવી રહી છે,જેમાં રચનાત્મક તથા શૈક્ષણિક કાર્યશાળાઓ દર્શાવવામાં આવશે,જે બાળમનના સર્વાંગી વિકાસમાં સહાયક થશે.માનવતાના આ મહાસંગમમાં સર્વ શ્રદ્ધાળુ ભક્તો તથા સજ્જન મહાત્માઓ સાદર આમંત્રિત છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

