અર્જુનને એક પ્રશ્ન થાય છે.ભગવાન વારંવાર કર્તવ્યકર્મ કરવાનો આગ્રહ કરે છે.અમે તો સંસારી જીવો છીએ એટલે બરાબર કહેવાય પણ ભગવાન તો ભગવાન જ કહેવાય,તેમને પણ આવાં નિયત કર્તવ્ય કર્મો કેમ કરવાં જોઇએ? આવી શંકાના જવાબમાં ભગવાન (૩/૨૩)માં કહે છે કે..
યદિ હ્યહં ન વર્તેયં જાતુ કર્મણ્યતન્દ્રિતઃ
મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ
કેમકે હે પાર્થ ! જો હું કોઇવાર સાવધાન થઇને કર્તવ્યકર્મ ન કરૂં તો ભારે હાની થઇ જાય કારણ કે મનુષ્યો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે.
(હિ-કેમકે,યદિ-જો,અહમ્-હું,વર્તેયં-કરૂં,જાતુ-કોઇવાર, કર્મણિ-કર્તવ્ય કર્મ,અતન્દ્રિતઃતંદ્રા વિનાનો થઇને, સાવધાન થઇને,મમ-મારા,વર્ત્મ-માર્ગનું, અનુવર્તન્તે-અનુસરણ કરે છે,મનુષ્યાઃ મનુષ્યો,સર્વશઃ બધી રીતે..)
કર્મઠતાને રોકનારાં ત્રણ તત્વો છેઃઆળસ-પ્રમાદ અને તન્દ્રા.જે કાર્ય હમણાં,અત્યારે જ કરવાનું છે તે પછી,મોડું,પછીથી કરવાનું ટાળવામાં આવે તેને આળસ કહેવાય છે.શરીરધારીઓ માટે આળસ મહાન શત્રુ છે.આળસમાં તો કર્તવ્યકર્મ મોડે કરવાનું હોય છે પણ પ્રમાદમાં તો કર્તવ્યકર્મ કરતો જ નથી અને તે પણ મદપૂર્વક,આવી કર્તવ્યહીન સ્થિતિને પ્રમાદ કહેવાય છે.
એક પ્રકારના માનસિક આનંદ સાથે વ્યક્તિ કર્મ ત્યાગીને માનસિક આનંદ અનુભવતો રહે તેને તંન્દ્રા કહે છે,જેમકે સવારે નિંદ્રામાંથી ઉઠવાની જગ્યાએ જાગતો હોવા છતાં પથારીમાં વિચારોનો આનંદ લેતો પડ્યો રહે તેને તંન્દ્રા કહેવાય છે.મહાપુરૂષોને નિંદ્રા તો હોય પણ તંન્દ્રા ના હોય કારણ કે તંન્દ્રા સમય બગાડે છે,કર્તવ્ય છોડાવે છે.તંન્દ્રારહિત થયેલો પુરૂષ આપોઆપ કર્મઠ બની જાય છે.ભગવાન પોતે કર્મઠ છે.
અતન્દ્રિતઃ નો અર્થ એ છે કે કર્તવ્યકર્મ કરવામાં આળસ અને પ્રમાદ કરવાં જોઇએ નહી પરંતુ તેમને બહુ સાવધાની અને તત્પરતાથી કરવાં જોઇએ.સાવધાનીપૂર્વક કર્તવ્યકર્મ ન કરવાથી મનુષ્ય આળસ અને પ્રમાદને વશ થઇ જઇને પોતાનું અમૂલ્ય જીવન નષ્ટ કરી દે છે.કર્મોમાં આળસ અને પ્રમાદ ન લાવીને તેમને સાવધાની તેમજ તત્પરતાપૂર્વક કરવાથી જ કર્મોથી સબંધ-વિચ્છેદ થાય છે.જો કોઇ કર્મની વારંવાર યાદ આવતી હોય તો એમ સમજવું જોઇએ કે કર્મ કરવામાં કોઇ ત્રુટિ એટલે કે કામના,આસક્તિ,અપૂર્ણતા, આળસ,પ્રમાદ,ઉપેક્ષા વગેરે થઇ છે,જેના કારણે તે કર્મથી સબંધ-વિચ્છેદ થયો નથી.કર્મથી સબંધ-વિચ્છેદ ન થવાના કારણે જ કરવામાં આવેલા કર્મોની યાદ આવે છે.
મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ આ પદ દ્વારા ભગવાન જાણે એમ કહે છે કે મારા માર્ગનું અનુસરણ કરવાવાળા જ વાસ્તવમાં મનુષ્ય કહેવડાવવાને યોગ્ય છે.જેઓ મને આદર્શ ન માનીને આળસ-પ્રમાદવશ કર્તવ્યકર્મ કરતા નથી અને અધિકાર ઇચ્છે છે તેઓ આકૃતિથી મનુષ્ય હોવાછતાં પણ વાસ્તવમાં મનુષ્ય કહેવડાવવાને યોગ્ય નથી.૩/૨૧માં ભગવાને કહ્યું કે શ્રેષ્ઠ પુરૂષોના આચરણ અને પ્રમાણ અનુસાર બધા મનુષ્યો તેમનું અનુસરણ કરે છે અને આ શ્ર્લોકમાં ભગવાન કહે છે કે મનુષ્ય સર્વ પ્રકારે મારા માર્ગનું અનુસરણ કરે છે.આનો અર્થ થયો કે શ્રેષ્ઠ પુરૂષ તો એક જ મનુષ્યલોકમાં આદર્શ પુરૂષ છે પણ હું ત્રણેય લોકમાં આદર્શ પુરૂષ છું.
મનુષ્યે સંસારમાં કેવી રીતે રહેવું જોઇએ? આ વાત બતાવવા માટે ભગવાન મનુષ્યલોકમાં અવતરીત થાય છે.સંસારમાં પોતાને માટે રહેવાનું જ નથી-આ જ સંસારમાં રહેવાની વિદ્યા છે.સંસાર વસ્તુતઃ એક વિદ્યાલય છે,જ્યાં આપણે કામના,મમતા,સ્વાર્થ વગેરેના ત્યાગપૂર્વક બીજાઓના હિતના માટે કર્મ કરતાં શિખવાનું છે અને તે અનુસાર કર્મ કરીને પોતાનો ઉદ્ધાર કરવાનો છે.સંસારના બધા જ સબંધીઓ એક બીજાની સેવા કરવા માટે જ હોય છે,એટલા માટે પિતા-પૂત્ર,પત્ની,ભાઇ-બહેન વગેરે બધાએ એકબીજાના અધિકારની રક્ષા કરતા રહીને પોતપોતાના કર્તવ્યનું પાલન કરવું જોઇએ અને એક બીજાના કલ્યાણની પ્રવૃત્તિ કરવી જોઇએ.
ભગવાને આગળના શ્ર્લોકમાં કર્મોમાં સાવધાની ન રાખવાથી થવાવાળી હાનીની વાત કહી અને હવે આગળના શ્ર્લોકમાં કર્મ ન કરવાથી થવાવાળી હાનીની વાત કહે છે.
ઉત્સીદેયુરિમે લોકા ન કુર્યાં કર્મ ચેદહમ્
સંકરસ્ય ચ કર્તા સ્યામુપહન્યામિમાઃ પ્રજાઃ
જો હું કર્મ ન કરૂં તો આ બધા મનુષ્યો નષ્ટ-ભ્રષ્ટ થઇ જાય અને અને હું વર્ણસંકરતાનો કરનાર બનું તથા આ સમસ્ત પ્રજાને નષ્ટ કરનારો બનું.(૩/૨૪)
(ચેત્-જો, અહમ્-હું, કર્મ-કર્મ, ન-ન, કુર્યામ્-કરૂં તો, ઇમા-આ, લોકા-બધા મનુષ્યો, ઉત્સીદેયુ-નષ્ટ-ભ્રષ્ટ થઇ જાય,ચ-અને હું,સંકરસ્ય-વર્ણસંકરતાનો, કર્તા-કરનાર, સ્યામ્-બનું તથા, ઇમાઃ-આ, પ્રજાઃ-સમસ્ત પ્રજાને, ઉપહન્યામ્-નષ્ટ કરનારો બનું)
મહાપુરૂષોની પરંપરા ત્રણ પ્રકારની હોય છેઃઆચારોની-વિચારોની અને આદર્શોની..
આચારપરંપરા-લોકો બાળકોની માફક અનુકરણવૃત્તિવાળા હોય છે.ઘરના વડીલો,ગુરૂજનો વગેરે જેવું કરતા,બોલતા હોય તેની નકલ તેઓ કરતાં હોય છે.તમારા આચારો તમારા પુરતા સીમિત રહેતા નથી, પ્રજામાં પણ ઉતરતા હોય છે,તેથી મોટા પુરૂષોએ સાવધાનીથી આચાર આચરવા જોઇએ.ગુરૂ જો ગાંજો પીતા હોય તો શિષ્યો પણ ગાંજો પીતા થઇ જશે,જો તમે ગાળો બોલતા હશો તો બાળકો,પ્રજા પણ ગાળો બોલતી થઇ જશે.
વિચારપરંપરા-મોટા પુરૂષોની વિચારોની પરંપરા પણ ચાલતી હોય છે.વિચારોના અર્કમાંથી સિદ્ધાંતો બનતા હોય છે.સિદ્ધાંતો જીવનની દિશા નિર્ધારીત કરતા હોય છે,એટલે તમારા વિચારો મહત્વના છે.હીન વિચારો,હીન પરંપરા પેદા કરે છે.દયા-કરૂણા-ઉદાર વિચારો તેવી પરંપરા પેદા કરે છે.વિચારો પણ મહત્વની વસ્તુ હોય છે.
આદર્શપરંપરા-આદર્શ વિના કોઇ મહાપુરૂષ ના થઇ શકે.હલકા-હીન પુરૂષોને આદર્શ ના હોય.માનો કે તમારા જીવનમાં રાષ્ટભક્તિ,સમાજસેવા,દરિદ્રસેવાના આદર્શો છે તો પાછળની પ્રજામાં પણ આ આદર્શો ઉતરવા જોઇએ.પ્રજા આદર્શોને યાદ કરશે.ભગવાન ભય બતાવે છે કે મારી પાછળ ચાલનારો વર્ગ હીન-હલકો-સંકર ન થઇ જાય તે માટે પણ મારે મારાં કર્તવ્ય કરવાં જોઇએ.ગુરૂલોકો ચોરી-વ્યભિચાર વગેરે કરે તો તે સંકર પ્રજાના નિર્માતા થઇ જાય.ઉત્તમ પ્રજાનું ઘડતર ઉત્તમ પુરૂષો જ કરી શકતા હોય છે.
ભગવાન પોતાનું ઉદાહરણ આપતાં કહે છે કે મારા માટે કંઇપણ પ્રાપ્તવ્ય ન હોવાછતાં પણ હું કર્મ કરૂં છું.જો હું જે વર્ણ,આશ્રમ વગેરેમાં મેં અવતાર લીધો છે તેના અનુસાર પોતાના કર્તવ્યનું પાલન ના કરૂં તો સઘળા મનુષ્યો નષ્ટ-ભષ્ટ થઇ જાય એટલે કે તેમનું પતન થઇ જાય કારણ કે પોતાના કર્તવ્યનો ત્યાગ કરવાથી મનુષ્યોમાં તામસભાવ આવી જાય છે,જેનાથી તેમની અધોગતિ થાય છે.
ભગવાન ત્રિલોકમાં આદર્શ પુરૂષ છે અને તમામ પ્રાણીઓ તેમના જ માર્ગનું અનુસરણ કરે છે, એટલા માટે જો ભગવાન કર્તવ્યનું પાલન નહી કરે તો ત્રિલોકમાં પણ કોઇ પોતાના કર્તવ્યનું પાલન નહી કરે.પોતાના કર્તવ્યનું પાલન ન કરવાથી તેમનું પોતાની મેળે જ પતન થઇ જશે.
સંકરસ્ય ચ કર્તા સ્યામુપહન્યામિમાઃ પ્રજાઃ જો હું કર્તવ્યકર્મ ન કરૂં તો બધા લોકો નષ્ટ-ભ્રષ્ટ થઇ જશે અને તેમના નષ્ટ થવાનું કારણ હું જ બનીશ,જો કે એવું બનવું સંભવિત નથી.પરસ્પર બે વિરૂદ્ધ ધર્મો એટલે કે ભાવો એકમાં મળી જાય તો તે સંકર કહેવાય છે.યુદ્ધરૂપી કર્તવ્યકર્મ ન કરવાથી વર્ણસંકરતા ઉત્પન્ન થશે.આ બાબતમાં ભગવાન પોતાનું ઉદાહરણ આપે છે કે જો હું કર્તવ્યકર્મ ન કરૂં તો કર્મ,ધર્મ, ઉપાસના,વર્ણ,આશ્રમ,જાતિ વગેરે બધામાં આપોઆપ સંકરતા આવી જશે.કર્તવ્યકર્મ ન કરવાથી જ સંકરતા ઉત્પન્ન થાય છે એટલા માટે ભગવાન અર્જુનને જાણે એમ કહે છે કે તૂં યુદ્ધરૂપી કર્તવ્યકર્મ ન કરવાથી જ વર્ણસંકર પ્રજા ઉત્પન્ન કરવાવાળો બનીશ.
ભગવાન અર્જુનને એ વાતનો સંકેત કરે છે કે તૂં રથી બન અને હું સારથી બનું,તો જો ક્ષત્રિય હોવા છતાં પણ આજે હું તારો સારથી બનેલો છું અને આ રીતે સ્વીકાર કરેલા પોતાના કર્તવ્યનું સાવધાની અને તત્પરતાપૂર્વક પાલન કરી રહ્યો છું.મારા આ કર્તવ્યપાલનનો પણ ત્રિલોક ઉપર પ્રભાવ પડશે કેમકે હું ત્રિલોકમાં આદર્શ પુરૂષ છું.તમામ પ્રાણીઓ મારા જ માર્ગનું અનુસરણ કરે છે.આ રીતે તારે પણ પોતાના કર્તવ્યકર્મની ઉપેક્ષા નહી કરીને મારી માફક તેનું સાવધાની તેમજ તત્પરતાપૂર્વક પાલન કરવું જોઇએ.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

