શ્રીમદ ભગવદગીતા(૩/૮)માં ભગવાને કર્મ કર્યા વિના શરીરનિર્વાહ પણ નહી થવાની વાત કહી. આથી સિદ્ધ થાય છે કે કર્મ કરવું બહુ જ આવશ્યક છે પરંતુ કર્મ કરવાથી તો મનુષ્ય બંધાય છે તો પછી મનુષ્યે બંધનથી છુટવા માટે શું કરવું જોઇએ? તેને બતાવતાં ભગવાન કહે છે કે..
યજ્ઞાર્થાત્કર્મણોઽન્યત્ર લોકોઽયં કર્મબન્ધનઃ
તદર્થં કર્મ કૌન્તેય મુક્તસઙ્ગઃ સમાચર (ગીતાઃ૩/૯)
યજ્ઞ(કર્તવ્યપાલન) માટે કરવામાં આવતાં કર્મોથી બીજાં (પોતાના માટે કરવામાં આવતાં) કર્મોમાં લાગેલો આ માનવ-સમુદાય કર્મોથી બંધાય છે માટે હે કુંતીનંદન ! તૂં આસક્તિ વિનાનો થઇને તે યજ્ઞ નિમિત્તે જ કર્તવ્યકર્મ કર. યજ્ઞ એટલે પ્રભુ પ્રિતિ અર્થે થયેલું કર્મ.
ગીતા અનુસાર કર્તવ્યમાત્રનું નામ યજ્ઞ છે.યજ્ઞ શબ્દ અંતર્ગત યજ્ઞ,દાન,તપ,હોમ,તીર્થ-સેવન,વ્રત, વેદાધ્યયન વગેરે તમામ શારીરિક,વ્યવહારિક અને પારમાર્થિક ક્રિયાઓ આવી જાય છે.કર્તવ્ય માનીને કરવામાં આવનારાં વેપાર,નોકરી,અધ્યયન,અધ્યાપન વગેરે બધાં શાસ્ત્રવિહિત કર્મોનું નામ પણ યજ્ઞ છે. બીજાઓને સુખ પહોંચાડવા તથા તેઓનું હિત કરવાને માટે જે પણ કર્મો કરવામાં આવે છે તે તમામ યજ્ઞાર્થ કર્મો છે.યજ્ઞાર્થ કર્મો કરવાથી આસક્તિ દૂર થાય છે તથા કર્મયોગીના તમામ કર્મો નષ્ટ થઇ જાય છે.(ગીતાઃ૪/૨૩) એટલે કે તે કર્મો સ્વયં તો બંધનકારક થતાં નથી પરંતુ પૂર્વ સંચિત કર્મસમુહને પણ સમાપ્ત કરી દે છે.મનુષ્યની સ્થિતિ ક્રિયા અનુસાર નહી પરંતુ તેના ઉદ્દેશ્ય અનુસાર હોય છે.યજ્ઞાર્થ કર્મ કરતી વખતે કર્મયોગીની સ્થિતિ પોતાના ઉદ્દેશ્ય પરમાત્મામાં જ રહે છે અને કર્મ સમાપ્ત કરતાં જ તેની વૃત્તિ પરમાત્માની તરફ ચાલી જાય છે.
નિષ્કામભાવથી કર્તવ્યકર્મ કરવું એ મનુષ્યનો સ્વધર્મ છે અને સકામભાવથી કર્મ કરવું એ પરધર્મ છે. જેટલાં પણ સકામ અને નિષિદ્ધ કર્મ છે તે તમામ અન્યત્રકર્મની શ્રેણીમાં આવે છે.પોતાનું સુખ,માન-બડાઇ, આરામ વગેરેને માટે જેટલાં કર્મ કરવામાં આવે તે તમામ પણ અન્યત્રકર્મ છે.પોતાના માટે કર્મ કરવાથી સકામભાવ રહે છે અને સકામભાવ રહેવાથી નિષિદ્ધ કર્મ થવાની પૂર્ણ સંભાવના રહે છે.મનુષ્ય કર્મોથી બંધાતો નથી પરંતુ કર્મોમાં જે આસક્તિ અને સ્વાર્થભાવ રાખે છે તેનાથી બંધાય છે.કર્મોમાં-પદાર્થોમાં અને જેમનાથી કર્મો કરવામાં આવે છે તે શરીર,મન-બુદ્ધિ વગેરે સામગ્રીમાં મમતા-આસક્તિ થવાથી બંધન થાય છે.
કર્તવ્યકર્મોનું સારી રીતે આચરણ કરવામાં બે કારણોના લીધે શિથિલતા આવે છે. (૧)મનુષ્યનો સ્વભાવ છે કે તે પહેલાં ફળની કામના કરીને જ કર્મમાં પ્રવૃત્ત થાય છે.જ્યારે તે જુવે છે કે કર્મયોગ અનુસાર ફળની કામના નથી રાખવાની ત્યારે તે વિચાર કરે છે કે કર્મ જ શા માટે કરૂં? (ર) કર્મનો આરંભ કર્યા પછી જ્યારે અંતે એને ખબર પડી જાય કે આનું ફળ વિપરીત આવશે ત્યારે તે વિચાર કરે છે કે અમે કર્મ તો સારામાં સારૂં કરીએ છતાં ફળ વિપરીત મળવાનું હોય તો પછી કર્મ શા માટે કરીએ? કર્મયોગી ના કોઇ કામના કરે છે ના કોઇ નાશવંત ફળ ઇચ્છે છે,તે તો ફક્ત સંસારનું હિત સામે રાખીને જ કર્તવ્યકર્મ કરે છે.આથી ઉપયુક્ત બંન્ને કારણોથી તેના કર્તવ્યકર્મમાં શિથિલતા આવતી નથી.
મનુષ્ય કર્મબંધનથી ત્યારે જ મુક્ત થઇ શકે છે કે જ્યારે તે સંસારથી મળેલ શરીર,વસ્તુ,યોગ્યતા અને સામર્થ્ય (શક્તિ) સંસારની સેવામાં લગાવી દે અને બદલામાં કંઇપણ ન ઇચ્છે કારણ કે સંસાર આપણને તે વસ્તુ આપી શકતો નથી કે જે આપણે ખરેખર ઇચ્છીએ છીએ.આપણે સુખ,અમરતા,નિશ્ચિંતતા,નિર્ભયતા અને સ્વાધિનતા ઇચ્છીએ છીએ,જે સંસાર પાસેથી નહી પરંતુ સંસાર સાથે સબંધ તોડવાથી મળશે એટલે આપણને સંસાર પાસેથી મળ્યું છે તે માત્ર સંસારની સેવામાં જ અર્પણ કરી દઇએ.
આ શ્ર્લોકમાં ભગવાને કહ્યું કે યજ્ઞ(કર્તવ્યકર્મ) સિવાયનાં બધાં કર્મો બંધનકારક છે.આથી આ બંધનથી મુક્ત થવા માટે કર્મોનો સ્વરૂપથી ત્યાગ ન કરીને કર્તવ્યબુદ્ધિથી કર્મ કરવું આવશ્યક છે.વાતને આગળ વધારતાં ભગવાન કહે છે કે..
સહયજ્ઞાઃ પ્રજાઃ સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ
અનેન પ્રસવિષ્યધ્વમેષ વોઽસ્ત્વિષ્ટકામધુક્ (૩/૧૦)
દેવાન્ભાવયતાનેન તે દેવા ભાવયન્તુ વઃ
પરસ્પરં ભાવયન્તઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ (૩/૧૧)
પ્રજાપતિ બ્રહ્માજીએ સૃષ્ટિના આરંભે કર્તવ્યકર્મોની વિધાન સહિત પ્રજા(મનુષ્ય વગેરે)ની રચના કરીને તેમને ખાસ કરીને મનુષ્યોને કહ્યું કે તમે લોકો કર્તવ્યકર્મ દ્વારા બધાની વૃદ્ધિ કરો અને આ કર્તવ્ય કર્મરૂપી યજ્ઞ તમને બધાને કર્તવ્ય પાલનની આવશ્યક સામગ્રી આપનાર થાઓ.આ પોતાનાં કર્તવ્યકર્મ વડે તમે લોકો દેવતાઓને ઉન્નત કરો અને તે દેવતાઓ પોતાનાં કર્તવ્યકર્મ દ્વારા તમને બધાને ઉન્નત કરે.એક બીજાને ઉન્નત કરતાં રહીને તમે બધાં પરમ કલ્યાણને પ્રાપ્ત થઇ જશો..
બ્રહ્માજી પ્રજા(સૃષ્ટિ)ના રચયિતા તેમજ તેના સ્વામી છે આથી પોતાના કર્તવ્યનું પાલન કરવાની સાથે તેઓ પ્રજાની રક્ષા તથા તેના કલ્યાણનો વિચાર કરતા રહે છે કારણ કે જે જેને ઉત્પન્ન કરે છે તેની રક્ષા કરવાનું તેનું કર્તવ્ય બની જાય છે.બ્રહ્માજી પ્રજાની રચના કરે છે,તેની રક્ષામાં તત્પર રહે છે તથા સદા તેના હિતની વાત વિચારે છે તેથી તેઓ પ્રજાપતિ કહેવાય છે.દેવતા,ઋષિ,પિતૃઓ,મનુષ્યો તથા અન્ય પશુ,પક્ષી, વૃક્ષ વગેરે બધાં પ્રાણી પ્રજા છે.તેઓમાં પણ યોગ્યતા,અધિકાર અને સાધનની વિશેષતાના કારણે મનુષ્ય ઉપર અન્ય તમામ પ્રાણીઓના પાલનની જવાબદારી છે.આ સૃષ્ટિમાં મુખ્યતઃ બે વિભાગ છે.પ્રાણીસુષ્ટિ અને બીજી મનુષ્યસૃષ્ટિ.પ્રાણીસૃષ્ટિને શું કરવું તે કહેવાની જરૂર નથી,તે તેના માટે નિયત કરેલું કર્મ જ કરે છે.પ્રત્યેક પ્રાણી માત્ર કુદરતી માર્ગે જ જીવન જીવન જીવે છે.તેમની જીવન પદ્ધતિ જન્મથી મૃત્યુ સુધી નિશ્ચિત હોય છે.માનવસૃષ્ટિ તેની જીવન પદ્ધતિ કુદરતની સાથે માનવે પોતે પણ નિર્ધારીત કરી છે.
ગીતામાં યજ્ઞ શબ્દ શાસ્ત્રવિધિથી કરવામાં આવતી તમામ વિહિત ક્રિયાઓનો વાચક પણ છે.પોતાના વર્ણ,આશ્રમ,ધર્મ,જાતિ,સ્વભાવ,દેશ,કાળ વગેરે અનુસાર પ્રાપ્ત કર્તવ્યકર્મ યજ્ઞની અંતર્ગત આવે છે.અન્યના હિતની ભાવનાથી કરવામાં આવતાં બધાં કર્મો પણ અહી યજ્ઞ જ છે.આમ યજ્ઞ (કર્તવ્યકર્મ)નું દાયિત્વ મનુષ્ય પર છે.
બ્રહ્માજી મનુષ્યોને કહે છે કે તમે લોકો પોતપોતાના કર્તવ્યપાલન દ્વારા બધાની વૃદ્ધિ કરો,ઉન્નતિ કરો, આમ કરવાથી તમને લોકોને કર્તવ્યકર્મ કરવામાં ઉપયોગી સામગ્રી પ્રાપ્ત થતી રહે,તેની ઉણપ ના રહે. નિષ્કામભાવથી ફક્ત કર્તવ્યપાલનના વિચારથી કર્મ કરવાથી મનુષ્ય મુક્ત બની જાય છે અને સકામભાવ થી કર્મ કરવાથી મનુષ્ય બંધનમાં પડી જાય છે.મનુષ્ય શરીર ભોગ ભોગવવા માટે છે જ નહી. એહી તન કર ફલ બિષય ન ભાઇ (માનસઃ(માનસઃ૭૪૪/૧) એટલા માટે સાંસારીક સુખોને ભોગવો-એવી આજ્ઞા કે વિધાન કોઇપણ સતશાસ્ત્રમાં નથી.સમાજ પણ સ્વછંદે ભોગ ભોગવવાની આજ્ઞા આપતો નથી.કર્મયોગી હંમેશાં લેવાનો નહી પરંતુ આપવાનો જ ભાવ રાખે છે કેમકે લેવાનો ભાવ જ બાંધવાવાળો છે.ઇચ્છા રાખ્યા વિના નિઃસ્વાર્થભાવથી કર્તવ્યકર્મ કરવાથી જ મનુષ્ય પોતાની ઉન્નતિ(કલ્યાણ) કરી શકે છે.
દેવોને પ્રસન્ન કરશો તો દેવો તમોને પ્રસન્ન કરશે.જો દેવો અને માનવો પરસ્પર એક બીજાને પ્રસન્ન કરશે તો શ્રેયની પ્રાપ્તિ થશે.જે દેવે તે દેવ.જે પ્રજાને સતત કંઇને કંઇ આપતા રહે તે દેવ.બધા દેવોનું સન્માન કરો.આપણી ચારે તરફ દેવો જ દેવો છે.બધાનો આદરપૂર્વક ઉપયોગ કરીએ તો ઉપરનું સ્વર્ગ નીચે આવી જશે આ જ ખરો યજ્ઞ છે.જ્યારે મનુષ્યો પોતાના કર્તવ્યકર્મો દ્વારા દેવતાઓના યજન-પૂજન કરતા નથી ત્યારે દેવતાઓને પુષ્ટિ મળતી નથી જેથી તેઓમાં પોતાના કર્તવ્યનું પાલન કરવામાં ઉણપ આવી જાય છે જેનાથી અનાવૃષ્ટિ-અતિવૃષ્ટિ વગેરે થાય છે.બીજો આપણી સેવા કરે તો આપણે તેની સેવા કરીએ એવો ભાવ ન રાખવો.આપણે પોતાના કર્તવ્ય દ્વારા તેની સેવા કરવાની જ છે.બીજો શું કરે છે, શું નથી કરતો,આપણને સુખ આપે છે કે દુઃખ એ વાતો સાથે આપણે કોઇ સબંધ રાખવો જોઇએ નહી પણ બધાને સુખ પહોંચાડવાનું છે.આપણાં જેટલાં સગાસબંધીઓ છે તેમની સેવા કરવાની છે પરંતુ તેમની પાસેથી કોઇ અપેક્ષા રાખવાની નથી.આપણે તેમના ઋણી છીએ અને ઋણ ઉતારવા માટે એમને ત્યાં આપણો જન્મ થયો છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

