Bhavnagar,તા.5
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં જાહેર શૌચાલય પાછળ ધમધમતા વરલી-મટકાના જુગારધામ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ત્રાટકી પાંચ ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર રેન્જ આઈ.જી. રાજેન્દ્ર વી. અસારી તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જિલ્લામાં દારૂ-જુગારની બદી નાબૂદ કરવાની સૂચના અન્વયે કઈઇ પી.આઈ. મયુરધ્વજસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે કુંભારવાડા, પીપર ચોક પાસે આવેલા રીક્ષા સ્ટેન્ડના જાહેર શૌચાલય પાછળ અમુક શખ્સો વરલી-મટકાના આંકડા લખી પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે.
પોલીસ ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો દરોડો પાડતા જુગાર રમતા પાંચ શખ્સો – ઇમ્તિયાજ યુનુસભાઇ ગોરી, મહેબુબ ઉર્ફે કાળુ કુરેશી, જાફર ઇબ્રાહીમભાઇ મલેક, ઇકબાલ રહિમભાઇ કુરેશી અને જાહિદ જમાલભાઇ મકવાણાની અટકાયત કરી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી રૂ. 17,190/- ની રોકડ તેમજ વરલી-મટકાના આંકડા લખેલી 9 ચિઠ્ઠીઓ અને બોલપેન મળી કુલ રૂ. 17,190નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ દરોડા દરમિયાન સિકંદર અવેશભાઇ કટીયા નામનો શખ્સ પોલીસના હાથે લાગ્યો નહોતો, જેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં કઈઇના પી.એસ.આઈ. વી.સી.જાડેજા, આર.એ.વાઢેર, પી.ડી.ઝાલા તથા અન્ય સ્ટાફના સભ્યો જોડાયા હતા.

