મુસળધાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે
Rajkot,તા.૧
સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા અવિરતપણે વરસી રહ્યા છે. રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં આકાશી આફતે ભારે તારાજી સર્જી છે. રાતથી શરૂ થયેલો વરસાદ સતત ચાલુ રહેતા માત્ર ગણતરીના કલાકોમાં જ રાજકોટ શહેરમાં સાડા ત્રણ (૩.૫) ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. મુસળધાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે.
શહેરમાં ઝડપથી પાણી ભરાવાની સ્થિતિ સર્જાતાં રાજકોટ મહાનગરપાલિકા (ઇસ્ઝ્ર) તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. પાણીના ઝડપી નિકાલ માટે શહેરના મુખ્ય રસ્તાઓ પર આવેલા ડ્રેનેજ મશીન હોલ (મેનહોલ) ખોલી દેવામાં આવ્યા છે. આ વરસાદી પાણીનો વહેલી તકે નિકાલ થાય તે માટે અને નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે મનપાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ખુલ્લા મેનહોલના કારણે કોઈ અકસ્માત કે દુર્ઘટના ન સર્જાય તે માટે મનપા દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી છે. ઇસ્ઝ્ર દ્વારા દરેક ખુલ્લા ડ્રેનેજ હોલ પર ૩-૩ કર્મચારીઓની ડ્યુટી ફિક્સ કરી દેવામાં આવી છે, જેઓ સતત સ્થળ પર હાજર રહીને ટ્રાફિક અને સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યા છે. આ ઉપરાંત, શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો ન થાય અને જરૂર પડે તો લોકોને સુરક્ષિત ખસેડી શકાય તે માટે ખાસ એક્શન પ્લાન બનાવીને ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

