(મિલાપ રૂપારેલ)
Amreli, તા.13
અમરેલીના લીલીયા સ્થિત રેલવે ફાટક નંબર 41-સી પર છેલ્લા કેટલાક સમયથી અવાર નવાર સર્જાતી ટેકનિકલ ખામીને કારણે સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ફાટક બંધ થયા બાદ ટેકનિકલ સમસ્યાના કારણે તે સમયસર ખુલતું ન હોવાથી લાંબો ટ્રાફિક જામ સર્જાય છે અને વાહન ચાલકો કલાકો સુધી અટવાઈ પડે છે.
આ જ માર્ગ ઉપર લીલીયા સિવિલ હોસ્પિટલ આવેલી હોવાથી ઇમર્જન્સી સારવાર માટે આવતા-જતા દર્દીઓ તેમજ એમ્બ્યુલન્સને પણ ટ્રાફિક જામમાં અટકાવાની સ્થિતિ સર્જાય છે. ગંભીર હાલતમાં રહેલા દર્દીઓને સમયસર સારવાર માટે હોસ્પિટલ પહોંચવામાં વિલંબ થવાની સંભાવનાને કારણે આ સમસ્યા ગંભીર બની છે.
સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ રેલવે તંત્ર તથા સંબંધિત વિભાગીય અધિકારીઓ સમક્ષ ફાટકની ટેકનિકલ ખામીની તાત્કાલિક નોંધ લઈ કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. ફાટક નં. 41-સી પર વારંવાર સર્જાતી સમસ્યાનું કાયમી નિવારણ કરવામાં આવે અથવા વાહનવ્યવહાર માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

