આદેશોનું પાલન ન કરવા બદલ તેમની સામે સુઓ મોટો અદાલતી અવમાનના ની કાર્યવાહી શા માટે ન કરવામાં આવે?
Ahmedabad,તા.૨૭
દેશમાં ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન સફાઈ કામદારોના સતત થઈ રહેલા મોત અંગે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેંચે આ મામલે કડક વલણ અપનાવતા ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવોને શો-કોઝ નોટિસ પાઠવી છે, અને પૂછ્યું છે કે, આદેશોનું પાલન ન કરવા બદલ તેમની સામે સુઓ મોટો અદાલતી અવમાનના ની કાર્યવાહી શા માટે ન કરવામાં આવે?
સુપ્રીમ કોર્ટે ડો. બલરામ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (ૈઁંન્) પર સુનાવણી કરતા આ નિર્દેશ આપ્યો હતો.
ઓક્ટોબર ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે ગટર સફાઈ દરમિયાન થતા મોત પર વળતરની રકમ વધારીને રૂપિયા ૩૦ લાખ કરી હતી, અને જાન્યુઆરી ૨૦૨૫માં ૬ મેટ્રોપોલિટન શહેરોમાં હાથથી મેલુ ઉપાડવાની ઘટના (મેન્યુઅલ સ્કેવન્જિંગ) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો.
સિનિયર એડવોકેટ કે. પરમેશ્વરે અદાલતને જણાવ્યું કે, કડક આદેશો છતાં મૃત્યુની ઘટનાઓ અટકી નથી. સંસદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ ૨૦૨૪માં ૫૪ અને ૨૦૨૫માં ૪૬ મોત નોંધાયા છે. ૨૦૨૪માં મહારાષ્ટ્રમાં ૧૭, રાજસ્થાનમાં ૧૩ અને તામિલનાડુમાં ૧૨ કામદારોના મોત થયા છે. આ આંકડાઓ સાંભળીને જસ્ટિસ કુમારે જણાવ્યું કે, ’અમારા આદેશો પછી પણ જો મોત થતા હોય, તો આ હવે ચલાવી લેવાય નહીં. તમે કન્ટ્રાક્ટરો પર દોષનો ટોપલો ઢોળવાનું બંધ કરો, અમે જવાબદારી નક્કી કરીશું. ક્યાંક તો આ અટકવું જ જોઈએ.’
કોર્ટે તમામ ૫ રાજ્યોના મુખ્ય સચિવોને ૪ અઠવાડિયામાં એફિડેવિટ દ્વારા જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

