ભગવાન પોતાના મત-સિદ્ધાંત પ્રમાણે અનુષ્ઠાન કરવાનું ફળ બતાવીને હવે તે પ્રમાણે નહી કરવાથી શું નુકશાન થાય છે તે ગીતાના શ્ર્લોક(૩/૩૨)માં જણાવે છે..
યહ ત્વેતદભ્યસૂયન્તો નાનુતિષ્ઠન્તિ મેં મતમ્
સર્વજ્ઞાનવિમૂઢાંસ્તાન્વિદ્ધિ નષ્ટાનચેતસઃ
(તું-પરંતુ,યે-જે માણસો,અભ્યસૂયન્તઃ-દોષદ્રષ્ટિ કરીને,મેં-મારા,એતત્-આ,મતમ્-મત,ન અનુતિષ્ઠન્તિ-અનુસાર નથી ચાલતા,તાન્-તે,સર્વજ્ઞાનવિમૂઢાન્-સર્વ જ્ઞાનોમાં મોહિત અને,અચેતસઃઅવિવેકી મનુષ્યોને, નષ્ટાન્-નષ્ટ થયેલા જ, વિદ્ધિ-સમજો એટલે કે તેમનું પતન જ થાય છે)
પરંતુ જે માણસો દોષદ્રષ્ટિ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા તે સર્વ જ્ઞાનોમાં મોહિત અને અવિવેકી મનુષ્યોને નષ્ટ થયેલા જ સમજો એટલે કે તેમનું પતન જ થાય છે.
જેમ સંસારમાં તમામ સ્વાર્થી મનુષ્યો ઇચ્છે છે કે અમને જ બધા પદાર્થો મળે,અમને જ લાભ થાય, તેવી જ રીતે ભગવાન પણ ઇચ્છે છે કે સઘળા કર્મો મને જ અર્પણ કરવામાં આવે,મને જ સ્વામી માનવામાં આવે-આ રીતે માનવું એ ‘ભગવાન’ ઉપર દોષારોપણ કરવું કહેવાય.કામના વિના સંસારનું કામ કેવી રીતે ચાલશે? મમતાનો સર્વથા ત્યાગ તો થઇ જ શકતો નથી,રાગ-દ્વેષ વગેરે વિકારો રહિત થવાનું અસંભવ છે-આ પ્રકારે માનવું એ ભગવાનના ‘મત’ ઉપર દોષારોપણ કરવું કહેવાય.
ભોગ અને સંગ્રહની ઇચ્છાવાળા જે મનુષ્યો શરીર વગેરે પદાર્થોને પોતાના અને પોતાને માટેના માને છે અને તમામ કર્મો પોતાના માટે જ કરે છે તેઓ ભગવાનના મત અનુસાર ચાલતા નથી.
‘સર્વજ્ઞાનવિમૂઢાન્ તાન્’-જે મનુષ્યો ભગવાનના મતનું અનુસરણ કરતા નથી તેઓ સર્વ પ્રકારનાં સાંસારીક જ્ઞાનો જેવા કે વિદ્યાઓ-કલાઓ વગેરેમાં મોહિત રહે છે.તેઓ નવા નવા આવિષ્કારોમાં,તેમના કલા કૌશલને જાણવામાં તથા નવા-નવા આવિષ્કાર કરવામાં રચ્યા-પચ્યા રહે છે અને નવી-નવી જાણકારી પ્રાપ્ત કરવામાં જ તેઓ વ્યસ્ત રહે છે.જે કંઇ છે તે આ જ છે-એવો તેમનો નિશ્ચય હોય છે.એવા લોકોને અહી તમામ જ્ઞાનોમાં મોહિત કહેવામાં આવ્યા છે.
‘અચેતસઃ’ ભગવાનના મતનું અનુસરણ ન કરવાવાળા મનુષ્યોમાં સત્-અસત્,સાર-અસાર,ધર્મ-અધર્મ,બંધન-મોક્ષ વગેરે પારમાર્થિક વાતોનું જ્ઞાન-વિવેક હોતો નથી.તેમનામાં ચેતનતા હોતી નથી,તેઓ પશુની જેમ બેહોશ રહે છે,જેમના મનમાં દોષો ભરેલા છે,જેમનામાં વિવેકનો અભાવ છે અને જેમનું ચિત્ત વશમાં નથી તેવા મૂર્ખ,તામસી,વ્યર્થ આશા,વ્યર્થ કર્મ અને વ્યર્થ જ્ઞાનવાળા વિક્ષિપ્તચિત્ત મૂઢ પુરૂષો હોય છે.
‘વિદ્ધિ નષ્ટાન્’ મનુષ્ય શરીર પામીને પણ જે ભગવાનના મત અનુસાર ચાલતા નથી તે મનુષ્યોને નષ્ટ થયેલા જ સમજવા જોઇએ,તે મનુષ્યો જન્મ-મરણના ચક્કરમાં જ પડ્યા રહેશે.મનુષ્યજીવનમાં અંતકાળ સુધી મુક્તિની સંભાવના રહે છે.(ગીતાઃ૮/૫) આથી જે મનુષ્યો વર્તમાનમાં ભગવાનના મતનું અનુસરણ કરતા નથી તેઓ પણ ભવિષ્યમાં સત્સંગ વગેરેના પ્રભાવથી ભગવાનના મતનું અનુસરણ કરી શકે છે જેથી તેમની મુક્તિ થઇ શકે છે પરંતુ જો તે મનુષ્યોની ભાવના જેવી વર્તમાનમાં હોય તેવી જ ભવિષ્યમાં પણ ચાલુ રહે તો તેમને ભગવતપ્રાપ્તિથી વંચિત રહી જવાના કારણે ભગવાને એવા મનુષ્યોને માટે ‘નષ્ટાન્ વિદ્ધિ’ પદનો પ્રયોગ કર્યો છે.
ભગવાનના મતનું અનુસરણ ન કરવાવાળો મનુષ્યો તમામ કર્મો રાગ અને દ્વેષપૂર્વક કરે છે.રાગ અને દ્વેષ-બંન્નેય મનુષ્યના શત્રુઓ છે.(૩/૩૪) નાશવાન હોવાના કારણે પદાર્થો અને કર્મો તો સદા સાથે રહેતા નથી પણ રાગ-દ્વેષપૂર્વક કર્મો કરવાથી મનુષ્યો તાદાત્મ્ય,મમતા અને કામનાથી આબદ્ધ થઇને વારંવાર નીચ યોનિઓ અને નરકોને પ્રાપ્ત થતા રહે છે,એટલા માટે ભગવાને એવા મનુષ્યોને નષ્ટ થયેલા જ સમજવાની વાત કહી છે.
મનુષ્ય ભગવાનને માને કે ના માને તેમાં ભગવાનનો કોઇ આગ્રહ નથી પરંતુ તેને ભગવાનના મત સિદ્ધાંતનું પાલન અવશ્ય કરવું જોઇએ-એમાં ભગવાનની આજ્ઞા છે.જો તે એવું નહી કરે તો તેનું અવશ્ય પતન થઇ જશે.હા,જો સાધક ભગવાનને માનીને તેમના મત પ્રમાણે આચરણ કરે તો ભગવાન તેને પોતાની જાત પણ આપી દેશે પરંતુ ભગવાનને ન માનીને ફક્ત તેમના મતનું આચરણ કરે તો ભગવાન તેનો ઉદ્ધાર કરી દેશે.ભગવાનને માનવાવાળાને ‘પ્રેમ’ની પ્રાપ્તિ અને ભગવાનના ‘મત’ને માનવાવાળાને મુક્તિની પ્રાપ્તિ થાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

