ન્યુ પાયોનિયર સ્કેટિંગ એકેડમીની અનોખી પહેલ,૨૫ સ્કેટર્સે ઉત્સાહભેર લીધો ભાગ
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૬ઃ
આજના ડિજિટલ યુગમાં બાળકો અને યુવાનોને મોબાઇલની દુનિયામાંથી બહાર લાવી રમતગમત અને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાના ઉદ્દેશ સાથે ન્યુ પાયોનિયર સ્કેટિંગ એકેડમી, અમરેલી દ્વારા ૩૫ કિ.મી.ની સ્કેટિંગ મેરેથોન યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેરેથોન અમરેલીના સેન્ટર પોઇન્ટથી પ્રારંભ થઈ લાઠી અને ત્યાંથી ભુરખિયા સ્થિત પવિત્ર હનુમાનજી મંદિર સુધી યોજાઈ હતી. આજે વહેલી સવારે ૬ વાગ્યે શરૂ થયેલી આ યાત્રામાં ૭ વર્ષથી ૨૦ વર્ષ સુધીના કુલ ૨૫ સ્કેટર્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
અમરેલીથી ભૂરખિયા માર્ગ દરમિયાન ખેલાડીઓએ શિસ્ત, સહનશક્તિ અને રમત પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.આ આયોજનનો મુખ્ય હેતુ બાળકો અને યુવાનોને મોબાઇલ ફોનના અતિરેક ઉપયોગથી દૂર રાખી રમતગમત, શારીરિક તંદુરસ્તી અને સકારાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડવાનો હતો. લગભગ ૧૧ વાગ્યે તમામ સ્કેટર્સ ભુરખિયા પહોંચ્યા હતા. ત્યાં ભુરખિયા દાદાના પવિત્ર સ્થળે દર્શન અને પ્રાર્થના કર્યા બાદ મેરેથોન યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.

