સરપંચની ફરિયાદ અને પુરાવાના આધારે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કાર્યવાહી
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૬ઃ
અમરેલી જિલ્લાના બાબરા તાલુકુના ચમારડી ગામના આરોગ્ય કેન્દ્રના સબ-સેન્ટરના નબળા બાંધકામ બદલ એન્જિનિયરને શૉ કૉઝ નોટિસ પાઠવવામાં આવી છે. ચમારડીના સરપંચે સબ સેન્ટરના બાંધકામમાં ક્ષતિઓ અંગે પુરાવા સાથે લેખિત ફરિયાદ કરી હતી, જેના પગલે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ત્વરિત કાર્યવાહી કરી પ્રાથમિક તપાસના આદેશ આપ્યા હતા.
તપાસ દરમિયાન બાંધકામની ગુણવત્તા નબળી જણાતા, ફરજમાં બેદરકારી બદલ જવાબદાર એન્જિનિયર સામે કાર્યવાહી કરવામાં આવી છે આ અંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પ્રજાના કલ્યાણ અને આરોગ્ય ક્ષેત્રના માળખાગત વિકાસ માટે કરોડો રૂપિયાનો માતબર ખર્ચ કરે છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ભવનોના નિર્માણમાં કોઈપણ પ્રકારની બેદરકારી, ભ્રષ્ટાચાર કે ગુણવત્તા સાથેની બાંધછોડ સહેજ પણ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને મજબૂત, સુરક્ષિત અને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ આપવાનો છે. જાહેર નાણાંનો એક-એક રૂપિયો યોગ્ય જગ્યાએ અને નિયમોનુસાર વપરાય તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.રાજ્ય સરકાર વિકાસકામોમાં ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તા સામે ’ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી રહી છે.
મંત્રીએ ઉચ્ચ અધિકારીઓને ચમારડી સબ-સેન્ટરના સમગ્ર બાંધકામની ઊંડાણપૂર્વક તપાસ કરવાના કડક આદેશ આપ્યા છે. આ સાથે જ જ્યાં પણ ક્ષતિઓ જણાય, ડિમોલિશન કરી અને ત્યાં નિયત ધોરણો અને ગુણવત્તા મુજબ નવેસરથી બાંધકામ કરાવવા માટે મંત્રી પાનશેરીયાએ અધિકારીઓને સૂચના આપી હતી.

