Gir Somnath ,તા.06
શહેર, ગામડાના ૧૭૪ વિસ્તારની મુલાકાત લેશે આરોગ્ય વિભાગના કર્મયોદ્ધાઓ ૮ થી ૧૮ જૂન સુધી લોકોને જાગૃત કરી કુષ્ઠરોગના દર્દીઓને વિના મૂલ્યે સારવાર અપાશે
સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને ગામડાના ૧૭૪ વિસ્તારની મુલાકાત લઇ રાષ્ટ્રીય કુષ્ઠરોગ (રક્તપિત્ત) જાગૃતિ અંગે અભિયાન હાથ ધરવામાં આવશે.
આ અંગે જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડો. શીતલ રામે જણાવ્યું હતું કે, આગામી તા. ૦૮ થી ૧૮ જૂન ૨૦૨૬ દરમિયાન જિલ્લામાં રાષ્ટ્રીય કુષ્ઠરોગ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ કુષ્ઠરોગ અંગે લોકોમાં જાગૃતિ લાવવી, રોગના લક્ષણોની વહેલી ઓળખ કરી સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવી તેમજ કુષ્ઠરોગ અંગેની ગેરમાન્યતાઓ અને ભેદભાવ દૂર કરવાનો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કુષ્ઠરોગ એક ચેપી રોગ છે. પરંતુ સંપૂર્ણપણે યોગ્ય સારવાર થકી રોગ મટી શકે છે. આ રોગના લક્ષણોમાં શરીર પર સંવેદના વિનાના ફિક્કા અથવા તાંબડા ડાઘ, હાથ-પગમાં સુનકાર, ઝણઝણાટી અથવા નબળાઈ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
આ અભિયાન દરમિયાન આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા જિલ્લાના ગામડાં અને શહેરીના ૧૭૪ વિસ્તારોમાં ઘર-ઘર મુલાકાત લઈ જનજાગૃતિ પ્રવૃત્તિઓ, માર્ગદર્શન તથા સંભવિત દર્દીઓની ઓળખ માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા કુષ્ઠરોગની તપાસ અને સારવાર સંપૂર્ણપણે મફત આપવામાં આવે છે.

