Manavadar પોલીસે વિરેન્દ્ર વિરોજાની ધરપકડ કરી, અન્ય ત્રણની શોધખોળ ચાલુ
(જીજ્ઞેશ પટેલ દ્વારા)
Manavadar તા.૬
Manavadar તાલુકાના નાનડીયા ગામે વ્યાજખોરોના માનસિક ત્રાસ અને ઉઘરાણીથી કંટાળીને એક ૩૦ વર્ષીય યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં મૃતક યુવકનો સેલ્ફી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મૃતકના પિતાની ફરિયાદના આધારે માણાવદર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે.
પોલીસે આ કેસમાં નાનડીયા ગામના વ્યાજખોર આરોપી વિરેન્દ્ર જમનાદાસ વિરોજાની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે પણ તપાસ તેજ કરવામાં આવી છે.
નાનડીયા ગામના ૬૨ વર્ષીય ગોરધનભાઇ માધાભાઇ આરદેશણાના ૩૦ વર્ષના દીકરા ગુંજન ઉર્ફે મેરકાને ખેતીના કામકાજ માટે પૈસાની જરૂર હતી. તેણે બાંટવા ગામના કરશનભાઇ રામાભાઈ મોરી અને ગગાભાઇ ઉર્ફે રાજુભાઇ નાથાભાઈ ગરચર પાસેથી ૫ લાખ રૂપિયા ઊંચા વ્યાજે લીધા હતા. ગુંજને આ રકમનું વ્યાજ નિયમિત ચૂકવ્યું હોવા છતાં, બંને વ્યાજખોરોએ વ્યાજનું વ્યાજ ચઢાવી પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવકની લાખોની કિંમતી જમીનનો વેચાણ દસ્તાવેજ બળજબરીપૂર્વક પોતાના નામે કરાવી લીધો હતો.
આ સિવાય અન્ય આરોપી વિરેન્દ્ર વિરોજાએ વ્યાજ વસૂલ્યા બાદ પણ ગુંજન પર કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યો હતો. જ્યારે પ્રવિણભાઇ નાથાભાઈ પરમારે ૬ લાખ રૂપિયાનું વ્યાજ વસૂલ્યા પછી પણ વોટ્સએપ પર ગાળો આપી માનસિક ત્રાસ આપ્યો હતો.
આ વ્યાજના ચક્રવ્યૂહ અને આબરૂ જવાના ડરથી કંટાળી ગયેલા ગુંજને ગત ૨૫/૫/૨૦૨૬ ના રોજ નાનડીયા ગામની પોતાની વાડીએ જઈને ઝેરી દવા પી લીધી હતી. આપઘાત પહેલાં યુવકે મોબાઈલમાં બનાવેલા વીડિયોમાં રડતા રડતા પોતાની આપવીતી જણાવી હતી કે, ’કરસનભાઈ અને ગગાએ ખાલી ૫ લાખ રૂપિયા વ્યાજે આપી મારી જમીનનો દસ્તાવેજ જબરદસ્તીથી કરાવી લીધો છે.’
આ ઘટના બાદ મૃતકના પિતાએ ૨૮/૫/૨૦૨૬ ના રોજ માણાવદર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ચારેય આરોપીઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા () ની કલમ ૧૦૮, ૩૦૮(૪), ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪ તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં માણાવદરના પીઆઇ જે.બી. પટેલ અને ડી.કે. ઝાલા દ્વારા પકડાયેલા આરોપી વિરેન્દ્રની પૂછપરછ કરવામાં આવી રહી છે, જ્યારે ફરાર બાકીના ત્રણ વ્યાજ માફિયાઓને પકડવા અલગ-અલગ ટીમો બનાવી દરોડાની કાર્યવાહી તેજ કરાઈ છે.

