Ayodhya,તા.4
રામ મંદિરમાં કરોડો રૂપિયાની ચડાવા ચોરીનો મામલો શાંત પડયો નથી ત્યાં વધુ એક સનસનીખેજ ખુલાસો થયો છે. રામ મંદિરના પૂર્વ લેખા પ્રભારીએ એસઆઈટી સમક્ષ એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે રામ મંદિર બનાવવાના 800 કરોડ રૂપિયાના એસ્ટીમેટ સામે 2200 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. મહિપાલસિંહે આ મામલે એસઆઈટીને પુરાવા પણ સોંપ્યા છે.
મહિપાલસિંહે જણાવ્યું હતું કે, ટ્રસ્ટની રચના વખતે રામ મંદિર નિર્માણનું એસ્ટીમેન્ટ 800 કરોડ રૂપિયા હતું, પરંતુ કેટલાક લોકોને લાભ પહોંચાડવા માટે 2200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
26 જુલાઈએ અગાઉ રચાયેલ એસઆઈટીના અધ્યક્ષ લખનૌના કમિશનર વિજય વિશ્વાસ પંતે ટ્રસ્ટને રામ કચેરી કાર્યાલયના પૂર્વ લેખા પ્રભારી મહિપાલસિંહને ઈ-મેલ મોકલી આરોપો સંબંધિત પુરાવા રજૂ કરવાની તક આપી હતી.
મહિપાલસિંહે કહ્યું હતું કે, જો જરૂર પડે તો વીડિયો કોન્ફરન્સીંગથી તેમનું નિવેદન પણ નોંધવામાં આવશે. મહિપાલસિહે ગત 9 જૂને સનસનીખેજ આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2021માં જ તેણે ચડાવા ચોરી પકડી હતી.
મહિપાલસિંહે જણાવ્યું હતું કે, રામશંકર યાદવ ટિન્નુના કહેવાથી બેન્કકર્મી રત્નેશ ચતુર્વેદી અને ગગનદીપ નોટોના વધુ બંડલ લઈ જઈને ચોરી કરતા હતા. આ વાત ચંપતરાયને બતાવવા પર તેમણે શાંત રહેવાનું કહ્યું હતું અને પછીના દિવસે તેમણે ડો.અનિલ મિશ્રને હટાવીને સુભાષ શ્રીવાસ્તવની ડયુટી લગાવી હતી.
આ સુભાષ હાલ પોલીસના કબજામાં છે. મહિપાલે જણાવ્યું હતું કે ટ્રસ્ટના નિર્માણ કાર્યોની દેખરેખ માટે ઈલેકટ્રીક એન્જીનીયર જગદીશ આફલેને પ્રોજેકટ એન્જીનીયર બનાવી દીધો હતો. તેને સિવિલ એન્જીનીયરીંગનો અનુભવ પણ નહોતો, આ કારણે મંદિર નિર્માણ વાસ્તુને અનુરૂપ નહોતું થયું. મફતમાં મળી રહેલ બંશી પહાડપુરના પથ્થરો ન લઈને ટ્રસ્ટે અમાન્ય ગુણવત્તાના પથ્થર ખરીદયા હતા.
ચંપતરાયે મહાંત શશિકાંત દાસને ઉપકૃત કરવા માટે તેમના રામ કચેરી મંદિરમાં ટ્રસ્ટનું કાર્યાલય ખોલ્યું, જયારે જગન્નાથ મંદિર, લવ-કુશ મંદિર અને રંગ મહેલ મંદિર માટે નિઃશુલ્ક સ્થાન મળી રહ્યું હતું.
આવા અને અનધિકૃત લોકો પાસેથી સંપત્તિઓ ખરીદાઈ, જેના પર ટ્રસ્ટને કબજો નથી મળ્યો અને ન્યાયાલયમાં ફરીયાદ દાખલ થવા પર ધન ખર્ચ થયો. મહિપાલે એસઆઈટીને જણાવ્યું કે કેશિયર વીરેન્દ્ર શર્માએ એવા અનેક લોકોના નામે પેમેન્ટ કર્યું, જેમણે કોઈ કામ નહતા કર્યા.

