( શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન)
ભાદરવા શુદ આઠમ ને શનિવાર તા. ૧૯-૯-૨૦૨૬ ના દિવસે રાધાષ્ટમી છે. આ દિવસ શ્રી રાધાજી ના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે. શ્રી રાધાજી ભાદરવા મહિનાની શુદ પક્ષ ની અષ્ટમી તીથી એ બપોરે અભિજિત મુહૂર્તમાં રાજા વૃષભાનુના યજ્ઞ ભૂમિથી પ્રકટ થયા હતા. શ્રી રાધાજીનું જન્મ સ્થળ બરસાના છે. તેમ માનવામાં આવે છે શાસ્ત્રો પ્રમાણે શ્રી રાધાજી પ્રાણો ના અધિષ્ઠાત્રી દેવી છે. શ્રી રાધાજીની પૂજા વગર શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા અધુરી છે.
રાધા અષ્ટમીનું મહત્વ ખૂબ જ વિશેષ છે : જન્માષ્ટમીના બરાબર ૧૫ દિવસ પછી આવે છે, તેથી તેને રાધા જયંતી પણ કહેવાય છે. રાધા અષ્ટમીનાં દિવસે મધ્યાન સમયે એક બાજોઠ ઉપર રંગીન કપડા ઉપર શ્રી રાધા કૃષ્ણની છબી રાખી અને કંકુ, ચોખા, અબીલ ગુલાલ, ફુલ પધરાવી ધૂપદિપ નૈવેદ્યમાં મીઠાઈ અર્પણ કરી આરતી કરી પૂજા કરવી તથા શ્રી કૃષ્ણ ભગવાનનું કિર્તન કરવું.આ દિવસે ઉપવાસ અથવા એકટાણું કરવું. આમ રાધાષ્ટમીનું વ્રત પૂજન કરવાથી ઘરમાં મધુરતા આવે છે. વાણીમાં મધુરતા આવે છે. ઘરનાં સભ્યો સાથે સંપ વધે છે. અને રાધાજીના પૂજન થી લક્ષ્મીજી પણ ખુશ થાય છે આથી લક્ષ્મી પ્રાપ્તિના પણ યોગ બને છે.
રાધાજી નુ મહત્વઃ
૧. કૃષ્ણની શક્તિ પુરાણો મુજબ રાધા રાણી સામાન્ય નથી, તે દેવી લક્ષ્મીનો અવતાર અને શ્રી કૃષ્ણની આનંદ-શક્તિ છે. કહેવાય છે કે રાધા નામ વગર કૃષ્ણની ભક્તિ અધૂરી રહે છે.
૨. પ્રેમ અને ભક્તિનું પ્રતીક રાધાજીનું સમર્પણ નિઃસ્વાર્થ પ્રેમનું સર્વોચ્ચ ઉદાહરણ છે. આત્માનું પરમાત્મા સાથેના જોડાણનું પ્રતીક તેમને માનવામાં આવે છે.
૩. કૃષ્ણ કૃપા મેળવવાનો માર્ગ એક માન્યતા છે કે રાધા રાણીને પ્રસન્ન કરવાથી શ્રી કૃષ્ણ સહેલાઈથી પ્રસન્ન થાય છે. આનો ઉદ્દેશ્ય રાધા થકી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવાનો છે.
વ્રત અને પૂજાનું ફળઃ
– એક માન્યતા પ્રમાણે રાધાજી નો જન્મ બપોરના ૧૨૦૦ વાગે થયો હતો તેવું માનવામાં આવે છે આ દિવસે ઉપવાસ રહેવામાં આવે છે – વ્રત કરવાથી જીવનમાં પ્રેમ, દાંપત્ય સુખ, સમૃદ્ધિ અને ભક્તિ વધે છે. અપરિણીત કન્યાઓને યોગ્ય વર અપરણિત યુવકોને યોગ્ય પત્ની મળે છે અને પરિણીત સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય મળે છે તેવી માન્યતા છે.- રાધા અષ્ટમીનું વ્રત કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

