Bhavnagar,તા.06
ભાવનગર સહિત ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસથી સીઆરસી પોર્ટલ પર મલ્ટીપલ લોગીન બંધ છે અને સર્વર પણ ધીમુ ચાલી રહ્યુ છે, જેના કારણે મહાપાલિકામાં ૧પ૦૦થી વધુ અરજીઓનો ભરાવો થયો હોવાનુ જાણવા મળેલ છે. કર્મચારીઓ વધુ કલાક કામગીરી કરે છે છતાં સર્વરના વાંકે કામગીરી ધીમી થઈ રહી છે તેથી અરજદારોની મૂશ્કેલી વધી છે.
ભાવનગર મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગ દ્વારા જન્મ તથા મરણના દાખલા સીઆરએસ પોર્ટલ પરથી કાઢી આપવામાં આવે છે. હાલ છેલ્લા ૧૧ દિવસથી સીઆરએસ પોર્ટલ પર મલ્ટીપલ લોગીન બંધ થવાથી કામગીરી ઝડપી થઈ શકતી નથી. હોસ્પીટલ તરફથી દૈનિક ધોરણે અંદાજે ૩૦૦ થી વધુ જન્મ તથા મરણ નોંધણી કરવા માટે એન્ટ્રી આવતી હોય છે તેમજ અન્ય કામગીરી પણ સમયસર કરવાની હોય છે જેવી કે, બાળક અને માતાનું આખુ નામ કરવાની અરજીનો નિકાલ કરવો, નોંધાયેલ બનાવોમાં સુધારા માટેની અરજીનો નિકાલ કરવો, નામ દાખલ માટેની અરજીનો કાર્યવાહી કરવી તેમજ આધાર કાર્ડ-અપાર આઈ.ડી.ને લીધે જન્મ દાખલાઓને જુના ફોર્મેટમાંથી નવા ફોર્મેટમાં કરવા. આ મલ્ટીપલ લોગીન છેલ્લા ૧૧ દિવસથી ચાલુ નહીં થતા હાલ આશરે ૧પ૦૦થી વધુ અરજીઓનો ભરાવો થઈ ગયો હોવાનુ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે.
મલ્ટીપલ લોગીનના વાંકે લોકોના કામ ન અટવાય તે માટે મહાપાલિકાના જન્મ-મરણ વિભાગમાં સવારે ૭ થી રાત્રીના ૯ કલાક સુધી એટલે કે, ૧૪ કલાક કર્મચારીઓ તબક્કાવાર કામગીરી રહ્યા છે પરંતુ હાલ સર્વરમાં ધાંધીયા છે તેથી કામગીરી ઝડપી થતી નથી. દરરોજ જેટલી અરજી આવે છે તેમાંથી ૩૦ ટકા અરજીનો નિકાલ થાય છે, જયારે ૭૦ ટકા કામગીરી થતી નથી તેથી આશરે ૧પ૦૦થી વધુ અરજીનો ભરાવો થયો હોવાનુ જાણવા મળેલ છે. સમયસર કામ નહીં થતા અરજદારો પરેશાન થઈ રહ્યા છે.
સીઆરસી પોર્ટલ પર મલ્ટીપલ લોગીન બંધ હોવાથી ભાવનગર મહાપાલિકાના જન્મ-મરણ નોંધણી વિભાગના રજીસ્ટ્રારે ૮ દિવસ પૂર્વે નાયબ મુખ્ય રજીસ્ટ્રાર (જન્મ-મરણ) અને અધિક નિયામકને પત્ર લખી રજૂઆત કરી છે પરંતુ હજુ પ્રશ્ન હલ થયો નથી અને સમસ્યા યથાવત છે. ટેકનીકલ સમસ્યાના કારણે મહાપાલિકાના કર્મચારીઓ અને અરજદારોની હાલાકી વધી છે.
ભાવનગર મહાપાલિકામાં જન્મ અને મરણના દાખલાની અરજીનો બીજા દિવસે નિકાલ કરી નાખવામાં આવે છે પરંતુ જન્મ-મરણના દાખલામાં સુધારા કરવામાં વધુ સમય લાગતો હોય છે તેમજ સર્વરની પણ સમસ્યા છે, જેના કારણે જન્મ-મરણના દાખલામાં સુધારામાં વધુ સમય લાગે છે તેથી અરજીઓનો ભરાવો થયો છે. અરજદારોને સમયસર દાખલા નહીં મળતા કચવાટ કરતા નજરે પડી રહ્યાં છે.

