Ahmedabad, તા.28
ગુજરાતના ઇન્વેસ્ટરોના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના મૂલ્યમાં જુન માસમાં 7267.54 કરોડનો વધારો થયો છે. આ સાથે ગુજરાતના ઇન્વેસ્ટરોનું મ્યુચ્યુઅલ ફંડમાં કુલ રોકાણ 387309.73 કરોડનું થયું છે. શેરબજારમાં તેજીના માહોલને પગલે સતત ત્રીજા મહિને ઇન્વેસ્ટરોના રોકાણમાં વધારો થયો છે. મ્યુચ્યુઅલ ફંડો મારફત ગુજરાતના ઇન્વેસ્ટરોની એસેટ મે માસના અંતે 380042.19 કરોડ હતી તેમાં જુન માસમાં 1.91 ટકાનો વધારો થયો હતો.
જૂન મહિનામાં થયેલો આ વધારો એપ્રિલમાં રૂા.14,208.65 કરોડ અને મે મહિનામાં રૂા.14,250.75 કરોડના વધારા પછી આવ્યો છે. શેરબજારમાં ભારે ઉથલપાથલ વચ્ચે માર્ચ મહિનામાં ઈક્વિટી SIP માં 5.25 ટકા (અથવા રૂા.19,480.87 કરોડ) નો ઘટાડો નોંધાયો હતો, જે બાદ આ સળંગ ત્રણ મહિનાનો સુધારો જોવા મળ્યો છે.
એક વર્ષ અગાઉની સરખામણી કરીએ તો, ગુજરાતનું ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ SIP 15.2 ટકા વધ્યું છે. જૂન 2025 માં જે SIP આશરે રૂા.3.36 લાખ કરોડ હતું, તે વધીને જૂન 2026માં રૂા.3.87 લાખ કરોડ પર પહોંચી ગયું છે.
વેલ્થ એડવાઈઝર્સના જણાવ્યાં અનુસાર, છેલ્લાં ત્રણ મહિનામાં રોકાણકારોનો વિશ્ર્વાસ સુધર્યો છે. માર્ચ મહિનાનાં માર્કેટ કરેક્શન (બજારના ઘટાડા) દરમિયાન જેમણે નવું રોકાણ રોકી રાખ્યું હતું, તેવા ગ્રાહકો હવે ફરીથી રોકાણની તકો વિશે ચર્ચા કરી રહ્યા છે.
અમદાવાદના ફાયનાન્સિયલ કન્સલ્ટન્ટ જયેશ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે, નવા રોકાણકારો બજારમાં પ્રવેશ કરી રહ્યાં છે, જ્યારે હાલના રોકાણકારો પોતાનાં જઈંઙ ના હપ્તાની રકમ વધારી રહ્યાં છે. જે લોકો વર્ષોથી રોકાણ કરી રહ્યાં છે તેઓ જાણે છે કે બજારનો ઘટાડો એ પોતાનાં પોર્ટફોલિયોને પુન:સંતુલિત કરવાની ઉત્તમ તક આપે છે. ઘટાડા બાદ જે ફંડ્સ કે સેક્ટર્સ આકર્ષક બન્યા હોય તેમાં વધારાનું રોકાણ કરી શકાય છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રોકાણકારોનો આત્મવિશ્વાસ એટલે વધ્યો છે કારણ કે બજાર ભૂ-રાજકીય સંઘર્ષો (જીઓપોલિટિકલ કન્ફ્લિક્ટ્સ) અને વૈશ્વિક ઘટાડા જેવી ઘટનાઓમાંથી અંતે બહાર આવી જ જાય છે. હવે રોકાણકારો ચોક્કસ ફંડ હાઉસ પ્રત્યેનો આગ્રહ છોડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ચોક્કસ થિમ્સમાં વધુ રસ દાખવી રહ્યાં છે.
પૂછપરછમાં વધારો થવા છતાં, મોટાભાગના રોકાણકારો એકસાથે મોટી રકમ રોકવાને બદલે જઈંઙ અથવા તો અલગ-અલગ હપ્તાઓમાં નાણાં રોકવાનું પસંદ કરી રહ્યા છે. સલાહકારોનું કહેવું છે કે આ સાવચેતીભર્યા અભિગમનું એક કારણ બજારનું વર્તમાન વેલ્યુએશન પણ છે.
ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે SIP માં થયેલો આ સમગ્ર વધારો માત્ર નવા રોકાણોને કારણે જ થયો છે તેમ ન કહી શકાય. જ્યારે જૂના રોકાણોનું બજાર મૂલ્ય વધે છે ત્યારે પણ SIP માં વધારો થાય છે. રોકાણકારોએ મહિના દરમિયાન ખરેખર કેટલું નવું ભંડોળ રોક્યું છે તે જાણવા માટે ’નેટ ઇનફ્લો’ ના અલગ આંકડાઓની જરૂર પડશે.
આમ છતાં, સળંગ ત્રણ મહિનાનો આ વધારો દર્શાવે છે કે શેરબજારે પોતાની ગુમાવેલી મજબૂતી પાછી મેળવી લેતાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સનું મૂલ્ય માર્ચ મહિનાના ઘટાડામાંથી મોટા પ્રમાણમાં બહાર આવી ગયું છે.
અમદાવાદના અન્ય એક વેલ્થ એડવાઈઝરે જણાવ્યું હતું કે, રોકાણકારોની ચર્ચાનો સ્વર હવે બદલાયો છે અને તેમાં વધુ પરિપક્વતા દેખાઈ રહી છે. અગાઉ રોકાણકારો મુખ્યત્વે એવું પૂછતા હતા કે શું બજાર હજુ વધુ ગગડશે? પરંતુ હવે તેઓ પૂછે છે કે તેમણે કેટલું રોકાણ કરવું જોઈએ અને કેટલા સમયગાળા માટે કરવું જોઈએ.

