પીઆઈ નિલેશ ચૌહાણ સામે ગુનો દાખલ; એસપી ડૉ. રવિમોહન સૈની દ્વારા નિષ્પક્ષ તપાસના આદેશ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૪ઃ
જામજોધપુર નજીક ગાંધેશ્વર રેલવે ફાટક પાસે ગઈકાલે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એસ.ટી. બસની ટક્કરથી ઘાયલ થયેલા બળદને ટ્રેક્ટરમાં ચડાવી બચાવવાની માનવતાવાદી કામગીરી કરી રહેલા લોકો પર જામજોધપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની પૂરપાટ ઝડપે આવતી કાર ફરી વળતાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે સાધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને જી જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે પીઆઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જામજોધપુર નજીક આવેલ ગાંધેશ્વર રેલવે ફાટક પાસે ગઈકાલે રાત્રે આશરે ૮૩૦ વાગ્યાના સુમારે બળદને બચાવવાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું. સ્થાનિક નાગરિક નુંધાભાઈ નાથાભાઈ ભોજાણી (ઉ.વ. ૫૨), જામવાડીના રોનકભાઈ અશોકભાઈ ખાંટ તથા સાધુ રામદાસ (ઉર્ફે રમેશ મૈયારામ દેસાણી) ટ્રેક્ટરમાં બળદને ચડાવવામાં મદદ કરી રહ્યા હતા. તે દરમિયાન જામજોધપુર તરફથી પુરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી ક્રેટા કારે રોડ પર ઊભેલા આ ત્રણેય લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં નુંધાભાઈ ભોજાણી અને રોનકભાઈ ખાંટને ગંભીર ઈજાઓ પહોંચતા જામજોધપુર સરકારી હોસ્પિટલ ખાતે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા સાધુ રામદાસને પીઆઈ એન. બી. ચૌહાણ પોતે સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
તપાસમાં સામે આવ્યું હતું કે, અકસ્માત સર્જનાર કાળા રંગની ક્રેટા કાર જામજોધપુરના પીઆઈ નિલેશભાઈ (એન.બી.) ચૌહાણ ચલાવી રહ્યા હતા. આ મામલે મૃતક નુંધાભાઈના પુત્ર મહેશભાઈ ભોજાણીની ફરિયાદના આધારે પોલીસે પીઆઈ નિલેશ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા પોલીસવડા ડૉ. રવિમોહન સૈનીએ મોડી રાત્રે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાના આદેશ આપ્યા છે.અકસ્માત જામજોધપુર પંથકમાં ભારે રાખડી ફેલાઈ ગઈ છેત કમનસીબ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

