વ્યાજખોર બેલડીએ કટકે કટકે રૂ. 21 લાખ 10% માસિક વ્યાજે આપી ત્રણ ગણી રકમ પડાવી : વધુ 13 લાખ આપવા પડશે નહીંતર પતાવી દેશું કહી ધમકીઓ આપી
(હરપાલસિંહ જાડેજા દ્વારા)
Gondal, તા.6
Gondalના મોટા દડવા ગામના યુવાનને રૂ. 21 લાખ માસિક 10% વ્યાજે આપી વ્યાજખોર બેલડીએ રૂ.61 લાખથી વધુની રકમ પડાવી હતી. યુવકે ઘરેણાં બેંકમાં ગીરવે મુકવી વ્યાજખોરોને પૈસા ચૂકવી દીધા છતાં વધુ 13 લાખની પઠાણી ઉઘરાણી કરી યુવાનને અવાર નવાર ખૂનની ધમકી આપવામાં આવી હતી. જે મામલે આટકોટ પોલીસ મથકે વ્યાજખોર બેલડી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
Gondalના મોટા દડવા ગામે રહેતા 30 વર્ષીય ખેડૂત યુવાન મહેશભાઈ ખોડાભાઈ સુસરાએ વ્યાજખોર તરીકે વિશાલ ધમા ચાવડા(રહે. મોટા દડવા, ગોંડલ, રાજકોટ) અને ગોપાલ ભોપા રાતડીયા (રહે. સોમલપર, જસદણ, રાજકોટ)નું નામ આપતાં આટકોટ પોલીસે મની લેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. બીયારણ તથા અન્ય ખર્ચ માટે મે ઓકટોમ્બર ૨૦૨૪થી અમારા ગામના વિશાલ ધમાભાઇ ચાવડા પાસેથી રૂપિયા એક લાખ માસિક ૧૦% લેખે વ્યાજે લીધેલ હતા. બાદ વિશાલને વ્યાજ અને મુદ્દલના પૈસા ચૂકવવા મે અમારા સબંધી ગોપાલ ભોપાભાઇ રાતડીયા પાસેથી રૂ. 2 લાખ માસિક ૧૦% લેખે વ્યાજે લીધેલ હતા.
મારે રૂપિયાની ચુકવણી કરવા વધારે રૂપિયાની જરૂરીયાત ઉભી થતા ૨૦૨૪ થી આજદીન સુધીમાં મે વિશાલભાઇ ધમાભાઇ ચાવડા પાસેથી કટકે કટકે કુલ રૂ. ૧૬,૭૨, ૨૦૦ માસિક ૧૦% લેખે વ્યાજે લીધેલ હતા જયારે ગોપાલ રાતડીયા પાસેથી આજદીન સુધીમાં કટકે કટકે કુલ રૂ.૪,૩૮,૫૦૦ માસિક ૧૦% લેખે વ્યાજે લીધેલ હતા. મે વ્યાજે લીધેલ રૂપિયા પેટે કુલ રૂ.૨૩,૦૯,૭૦૦ એસ.બી.આઇ. બેન્ક મોટા દડવા ખાતે આવેલ મારા એકાઉન્ટમાંથી બેન્ક મારફતે તથા રોકડેથી રૂપિયા છ લાખ મળી કુલ રૂ.૨૯,૦૯,૭૦૦ વિશાલ ચાવડાને ચુકવી આપેલ છે. જયારે રૂ. ૧૩,૩૧,૦૦૦ બેન્ક મારફતે તથા રોકડેથી રૂપિયા સાડા ચાર લાખ મળી કુલ રૂ. ૧૭,૮૧,૦૦૦ ગોપાલ રાતડીયાને ચુકવી આપેલ છે.
તેમ છતા વિશાલ ચાવડા મારી પાસેથી હજુ રૂ.૭.૫૦ લાખની ઉઘરાણી કરે છે જયારે ગોપાલ રાતડીયા રૂ.૫.૫૦ લાખની ઉઘરાણી કરે છે.વ્યાજે લીધેલા નાણાં ચૂકવવા સોનાના દાગીના સરધાર આઈ.આઈ.એફ.એલ. બેન્કમાં મુકી રૂ.૨૪.૫૫ લાખની લોન મેળવી તથા ખેતીની આવકમાંથી બંને વ્યાજખોરોને રૂપિયા ચૂકવ્યા હતા. તેમ છતા બંને શખ્સો ગાળો આપી, મારી નાખવાની ધમકીઓ આપી મારી પાસેથી બળજબરીપુર્વક પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા.અંતે યુવાને બંને વ્યાજખોરો ફરિયાદ નોંધાવી હતી.

