Vadodara,તા.19
વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહત્ત્વપૂર્ણ મુજપુર ગંભીરા બ્રિજનું નિર્માણ કાર્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા 12 માસની નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. 9 જુલાઈ 2025ના રોજ 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં સર્જાયેલી કરૂણ દુર્ઘટનામાં 18થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે આશરે Rs 200 કરોડના ખર્ચે નવા અને આધુનિક બ્રિજનું નિર્માણ હાથ ધર્યું હતું. આ કામગીરીમાં દરરોજ 300 જેટલા શ્રમિકોએ દિવસ-રાત મહેનત કરી બ્રિજ તૈયાર કર્યો છે.આ નવો બ્રિજ અત્યાધુનિક ટેકનોલોજી અને નવીન બાંધકામ પદ્ધતિઓથી તૈયાર કરાયો છે. સ્ટીલમાં કાટ ન લાગે અને બ્રિજનું આયુષ્ય વધે તે માટે ઈપોક્ષી કોટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઝડપી બાંધકામ માટે પ્રિકાસ્ટ એલિમેન્ટ વાપરવામાં આવ્યા છે. ભવિષ્યમાં દરેક પિલ્લરની જાળવણી અને નિરીક્ષણ સરળતાથી થઈ શકે તે માટે ખાસ ‘નિરીક્ષણ પ્લેટફોર્મ’ ની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.હાલમાં બ્રિજ પર વાહનવ્યવહાર શરૂ કરતાં પહેલાં લોડ ટેસ્ટિંગ સહિતની વિવિધ તકનીકી અને સુરક્ષા ચકાસણીઓ ઝીણવટભરી રીતે હાથ ધરવામાં આવી રહી છે. તમામ ટેસ્ટિંગ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ ઓગસ્ટ 2026 ના અંત સુધીમાં બ્રિજ જનતા માટે ખુલ્લો મુકાશે. આ નવો બ્રિજ શરૂ થવાથી વડોદરા અને આણંદ વચ્ચેનો પ્રવાસ સમય ઘટશે, ઇંધણની બચત થશે અને વૈકલ્પિક માર્ગોના ચક્કરમાંથી વાહનચાલકોને મોટી રાહત મળશે.

