Vadodara,તા.19
વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકોને ગંદુ, દુર્ગંધયુક્ત અથવા અશુદ્ધ પાણી મળતું હોવાની ફરિયાદો વચ્ચે વોર્ડ નં.14ના કોંગ્રેસના નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી શહેરના તમામ નાગરિકોને શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે માટે તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.
નગરસેવકે રજૂઆતમાં જણાવ્યું છે કે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય જવાબદારીઓ પૈકીની એક જવાબદારી શહેરના દરેક નાગરિકને પૂરતું અને ચોખ્ખું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની છે. જોકે શહેરના અનેક વિસ્તારોમાંથી ગંદુ, દુર્ગંધયુક્ત અને અશુદ્ધ પાણી મળતું હોવાની ગંભીર ફરિયાદો સામે આવી રહી છે.
તીર્થ બ્રહ્મભટ્ટે પાલિકા તંત્ર સમક્ષ એક અલગ પ્રકારની માંગ કરતા જણાવ્યું છે કે જ્યાં સુધી વડોદરાના તમામ નાગરિકોને શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી મહાનગરપાલિકાની કચેરીઓમાં પણ પાલિકા દ્વારા પુરવઠો કરવામાં આવતું પાણી જ ઉપયોગમાં લેવામાં આવે. મિનરલ અથવા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર, જેમ કે બિસ્લેરીનો ઉપયોગ સદંતર બંધ કરવામાં આવે તેવી પણ તેમણે માગ કરી છે.
તેઓ વોર્ડ નં.14ના નગરસેવક તરીકે શપથ લે છે કે જ્યાં સુધી વડોદરાના દરેક નાગરિકને ચોખ્ખું પીવાનું પાણી ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે ત્યાં સુધી તેઓ વડોદરા મહાનગરપાલિકામાં પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરનો પીવા માટે ઉપયોગ નહીં કરે. ગંદા પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે શહેરમાં વર્ષો જૂની અને જર્જરિત પાણીની લાઇનોનું જરૂરી સર્વેક્ષણ કરવાની પણ માંગ કરવામાં આવી છે. જ્યાં પાણીની લાઇનો જૂની અને જર્જરિત હોય ત્યાં તેને બદલવાની કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.
આ ઉપરાંત પાણીની લાઇનોમાં ગટરનું પાણી ભળતું હોય તેવા વિસ્તારોની તાત્કાલિક તપાસ, લીકેજનું સમારકામ અને પાણીના નમૂનાઓનું નિયમિત પરીક્ષણ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

