Rajkot તા.૫ઃ
શહેરના મોરબી રોડ જકાતનાકા નજીકથી વૃધ્ધ દંપતીને રીક્ષામાં બેસાડી રૂ.૮૪ હજારની રોકડ સેરવી લેનારી રીક્ષા ગેંગના સાગરીતને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. દસ મહિનાથી ફરાર મૂળ મોરબીના શખ્સને દબોચી બી ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ફરાર આરોપી શૈલેષ કાળુભાઈ સલાટ (ઉ.વ. ૩૫ રહે. હાલ ભાવનગર રોડ ત્રંબા આર.કે. યુનિવર્સિટી રોડ પાસે ઝૂંપડામાં, મૂળ, મોરબી)ને ઝડપી લીધો હતો.પોલીસે જણાવ્યું હતું કે, મોરબી રોડ જકાતનાકા પાસેથી વૃધ્ધ દંપતીને રીક્ષામાં બેસાડી તેમની પાસેથી રૂ.૮૪ હજાર રોકડ સેરવી લેવામાં આવી હતી. જે અંગે બી ડિવિઝનમાં ફરિયાદ થઇ હતી. જે તે સમયે બે આરોપીઓની ધરપકડ થયા બાદ પેરોલ ફર્લો સ્કોવડે તાજેતરમાં આ ગુનામાં વધુ એક આરોપીને ઝડપી લીધો હતો. જયારે આ ગુનામાં હાલમાં ઝડપાયેલો આરોપી શૈલેષ ૧૦ મહિનાથી ફરાર હતો જેને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો છે.

