બકરા ચરાવવા મુદ્દે કાર અને બાઈકમાં ધસી આવેલા શખ્સો પાઇપ-લાકડી વડે પરીવારના સભ્યો પર તૂટી પડ્યા
Rajkot તા.૫ઃ
Rajkotની ભાગોળે આવેલ સડક પીપળીયા ગામની સીમમાં મોડી રાત્રે ફિલ્મી ઢબે કારમાં ધસી આવેલા શખ્સોએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરી ત્રણ લોકો પર લાકડી અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ખેતરમાં બકરા ચરાવવા મામલે ધસી આવેલા શખ્સો પશુપાલક પરીવારના સભ્યો પર તૂટી પડ્યો હતો. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે હત્યાની કોશિશ, રાયોટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
મૂળ સાવરકુંડલાના વતની અને હાલ ગોંડલના સડક પીપળીયા ગામની સીમમાં રહેતી ૨૧ વર્ષીય પરિણીતા મમતાબેન ગોપાલભાઈ સોલંકીએ આરોપી તરીકે ધ્રુવરાજ અને સમીર તેમજ ચાર અજાણ્યા શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, અમારા ઘર પાસે મોટર સાયકલ ચાલક ફોનમાં વાતો કરતો હતો. દરમિયાન કાર રોડ તરફથી અમારા ઘર પાસે આવી અચાનક ઉભી રહી હતી. જેમાંથી પાંચ શખ્સો ઉતર્યા હતા.
જેમાંથી એક વ્યક્તિના હાથમાં ગન હતી. તે વ્યક્તિએ ગન વડે હવામાં ફાયરિંગ કરી ગાળો બોલવા લાગ્યો હતો. બાદ છ શખ્સો કારમાંથી લાકડીઓ અને લોખંડના પાઇપો કાઢી મારા પતિ જે રૂમમાં સુતા હતા તે રૂમમાં ધસી જઈ લાકડી વડે હુમલો કરી દીધેલ હતો. જેથી મારા પતિ ભાગીને સીમમાં જતા રહેલ હતા. બાદ મે રાડારાડી કરતા મારા સાસુ, ઘરડા સાસુ અને મારો દિયર નાનીયો બહાર આવી ગયેલ હતા. બાદ સામાવાળા તમામ શખ્સો અમારા ઘરમાં ઘુસી શોધખોળ કરવા લાગેલ હતી. બાદ આ શખ્સોએ મારા મુકબધિર દિયર નાનીયા પર હત્યાના ઇરાદે લાકડીઓ તથા લોખંડના પાઇપથી માથા તથા શરીરના ભાગે આડેઘડ ઘા ઝીંકી દીધા હતા. જેથી દિયર બેભાન થઇ ગયો હતો. દરમિયાન એક શખ્સે આ પતિ ગયેલ છે, હવે બીજાને શોધો તેમ કહ્યું હતું.
બાદ ટોળકીએ ભીમાભાઇને લાકડી અને પાઇપ વડે માર માર્યો હતો. હુમલા દરમિયાન આં શખ્સો કહેવા લાગેલ કે, તમારા બકરા મારા ખેતરમાં ચરવા ગયેલ હોય જેથી મારો પાક બગડી ગયેલ છે, તમને કહેવા છતા વારંવાર આવુ કરો છો તેમ કહી ગન વાળા માણસે અમારી સામે ગન તાકી ગાળા ગાળી કરી હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કરેલ હતું. વધુમાં તે શખ્સે કહેલ કે, આજે તો હવામાં ફાયરીંગ કરેલ છે હવે પછી તમારા બકરા અમારા ખેતરમાં ચરવા આવશે તો જીવતા છોડીશ નહી તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના વાહનો લઈને નાસી ગયેલ હતા. જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ભીમાભાઇ રીબડા ગામની સીમમાં બકરા ચરાવવા માટે ગયેલ હોય અને બકરા રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજાની વાડીમાં ચરવા ઘુસી ગયેલ હોય જેનો ખાર રાખી હુમલો કરવામાં આવેલ હતો. હુમલા દરમિયાન ફાયરિંગ કરનાર શખ્સને બધા ધ્રુવરાજભાઈ કહીને બોલાવતા હતા અને એક શખ્સને સમીર કહીને બોલાવતા હતા.સમગ્ર મામલો પ્રકાશમાં આવતા રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. પોલીસે અહીંથી બે ખાલી કાર્ટિસ કબ્જે કર્યા હતા. બીજી બાજુ ગોંડલ તાલુકા પોલીસે હત્યાની કોશિશ, રાયોટ, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કરણ સુનિયા બામણીયા (રહે. અલીરાજપુર, એમપી), અરમાન મયુદ્દીન હોથી (રહે. શાપર વેરાવળ, રાજકોટ), સમીર કાસમ વિષળ (રહે. ભેસાણ, જૂનાગઢ), સુરેશ ઉર્ફે સજુભા રવજીભાઈ ઝાલા (રહે. દેત્રોજ) અને એક સગીરની અટકાયત કરી હતી. જયારે ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા(રહે. રીબડા, ગોંડલ)ની શોધખોળ યથાવત રાખી હતી.એલસીબી, એસઓજી અને ગોંડલ તાલુકા પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી સત્વરે સગીર સહીત પાંચ આરોપીઓની અટકાયત કરી લીધી હતી. જયારે એક ફરાર શખ્સની શોધખોળ આદરવામાં આવી હતી.

