Rajkot તા.૫ઃ
કોટડાસાંગાણી પીજીવીસીએલ કચેરીમાંથી લાખોની મતા ઉઠાવી જનાર રીઢો તસ્કર છ વર્ષે ઝડપાયો છે. દાહોદના જેશાવાડા ગામે ફાયરિંગ કરી હત્યા નીપજાવ્યા બાદ અમરા મીનામાએ કોટડાસાંગાણીમાં ચોરીને અંજામ આપ્યો હતો. બંને ગુના આચર્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા શખ્સને રાજકોટ રૂરલ એલસીબી ટીમે ગોંડલ નજીકથી દબોચ્યો હતો.
દાહોદ જિલ્લાના જેશાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂન, રાયોટીંગ તેમજ આર્મ્સ એક્ટના ગુનામાં સાત વર્ષથી અને કોટડા સાંગાણી પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છ વર્ષથી ફરાર એમ કુલ બે ગંભીર પ્રકારના ગુનામાં નાસતા ફરતા આરોપી અમરા છત્રસિંહ ઉર્ફે ઇકાભાઇ મીનામા (દાહોદ) ને એલસીબીની ટીમે ગોંડલ કોટડા સાંગાણી રોડ ધારેશ્વર ચોકડી નજીકથી ઝડપી લઇ ગોંડલ સીટી પોલીસના હવાલે કર્યો હતો.
ગઈ તા. ૩/ ૧૦/ ૨૦૨૧ ના રોજ કોટડા સાંગાણી પીજીવીસીએલ કચેરી ઓફિસના પાછળના ભાગને બારીના સળિયા તોડી કલેક્શનના રૂપિયા રાખવાની તિજોરી તોડી ઈલેક્ટ્રીક બિલના કનેક્શનના રૂપિયા ૫,૪૬,૨૯૫ રોકડની ચોરી કરી ગયા અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી અમરા મીનામાનું નામ ખુલ્યું હતું. જે ગુનામાં તે છ વર્ષથી ફરાર હતો. આ ઉપરાંત દાહોદ જિલ્લાના જેશાવાડા પોલીસ સ્ટેશનમાં ગત તા. ૭-૪-૨૦૨૦ ના રોજ વજેસિંગ સુલતાનભાઈ કટારા (રહે વડવા. તા. ગરબાડા) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી હથિયારો સાથે જીવલેણ હુમલો કરી ફરિયાદીના ભત્રીજા નગરાભાઈ વસનાભાઈ કટારા પર ફાયરિંગ કરી તેની હત્યા કરી હતી અમરા મીનામા (દાહોદ) ને એલસીબીની ટીમે ગોંડલ નજીકથી ઝડપી લઇ સીટી પોલીસના હવાલે કર્યો હતો.

