રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષા માટેની આગામી કાર્યવાહી શરૂ કરવામાં આવશે
Ahmedabad, તા.૨૫
રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ભરવા માટેની કવાયત શરૂ થશે. શાળાઓમાં યોગ્ય અને સક્ષમ આચાર્યની પસંદગી માટે લેવાતી ‘આચાર્ય અભિરૂચિ કસોટી’ (HMAT)ના આયોજન અંગે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. જેના પગલે હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી દિવસોમાં પરીક્ષા અંગેનું આયોજન કરશે. કમિશનર શાળાઓની કચેરી દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય અભિરૂચિ કસોટી યોજવા માટે શિક્ષણ વિભાગ સમક્ષ દરખાસ્ત મોકલાઈ હતી.
આ દરખાસ્તને ધ્યાને રાખી શિક્ષણ વિભાગ દ્વારા HMAT પરીક્ષાના આયોજન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપતો આદેશ જારી કરાયો છે. આમ, પરીક્ષા માટેની મંજૂરી મળ્યા બાદ કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડને પત્ર લખી સૂચના અપાઈ છે જેમાં જણાવાયું છે કે, શિક્ષણ વિભાગની મંજૂરી અન્વયે આગામી સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડના પરામર્શમાં રહીને ૐસ્છ્ પરીક્ષાના આયોજન અંગેની જરૂરી ઘટીત કાર્યવાહી ઝડપથી હાથ ધરવામાં આવે. આમ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ HMAT પરીક્ષા માટેની સૂચનાઓ, ફોર્મ ભરાવાની તારીખો અને પરીક્ષાના માળખા અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. આ નિર્ણયથી ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય બનવા ઇચ્છુક ઉમેદવારો અને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો પણ પરીક્ષાની મંજૂરી મળ્યા બાદ તૈયારીમાં લાગી ગયા છે.

