મકાનમાંથી ચાંદી અને રોકડ મળી રૂ. 7.95 લાખની ચોરીને અંજામ આપ્યો’તો : એલસીબી ટીમે મહિલા સહીતની ત્રિપુટીને દબોચી રૂ. 8.17 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો
નાના ભાઈના લગ્ન હોવાથી ચોરીને અંજામ આપ્યાની કબૂલાત : પ્રસંગમાં રૂ. 2.80 લાખ વાપરી નાખ્યાનું રટણ
Rajkot,તા.20
ગોંડલના મોવિયા ગામની સીમમાં વાડીએ ત્રાટકી પરપ્રાંતીય શ્રમિકના મકાનમાંથી ચાંદી અને રોકડ મળી કુલ રૂ.7.95 લાખની મતાની ચોરી કરી લેવાઈ હતી. જે ચોરીને અંજામ આપનાર ઘાટવડિયા ગેંગની ત્રિપુટીને રૂરલ એલસીબી ટીમે ઝડપી રૂ. 8.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગેંગના સૂત્રધારના નાના ભાઈના લગ્ન હોવાથી ચોરીને અંજામ આપ્યાની અને પ્રસંગમાં રૂ. 2.80 લાખ વાપરી નાખ્યાની તસ્કર ટોળકીએ કબૂલાત આપી હતી.
બનાવ અંગે ગોંડલના મોવીયા ગામના ખેડૂત સુરેશભાઇ હિરપરાની મોવીયા-કંટોલીયા રોડ પર આવેલ વાડીએ રહેતાં ફરીયાદી નનેશભાઇ અબલાભાઈ માવી રહે. મુળ-બડા ખુટાજા, અલીરાજપુર) એ ગઈ તા.૧૪ ના ગોંડલ તાલુકા પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યુ હતું કે, વાડીના રહેણાક મકાનના તાડા તોડી દિવસ દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી મકાનમાં રાખેલ ઘઉંની કોઠીને મારેલ તાળાના મીજાગરા તોડી ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા મળી કુલ કિ.રૂ.૭.૯૫ લાખનો મુદ્દામાલની ચોરી કરી લઇ જતા ફરિયાદ નોંધાવી હતી.એલસીબીની ટીમોએ બનાવ સ્થળની માહીતી એકત્રીત કરવામાં આવેલ જે દરમ્યાન આવી દિવસ દરમ્યાનની ચોરીના બનાવમાં ઘાટવડીયા ગેંગ સક્રીય હોવાની માહીતીના આધારે તેમજ બનાવવાળી જગ્યાની નજીકના સીસીટીવી ફુટેજમાં ત્રણ પુરૂષ તથા એક સ્ત્રી એમ ચાર શંકાસ્પદ શખ્સો હોવાનું સામે આવ્યું હતું.
ગોંડલ ગુંદાળા ચોકડીથી આગળ ખુલ્લા પ્લોટમાં ઝુંપડામાં રહેતા હોવાની માહીતી મળતા જ એલસીબીની ટીમે તે જગ્યાએ તપાસ કરતા ચોરીને અંજામ આપ્યા બાદ શંકાસ્પદ શખ્સો ત્યાંથી જતા રહેલ હોય જે આરોપીઓની હ્યુમન સોર્સથી મળેલ માહીતીના આધારે ગોંડલ તાલુકાના ભુણાવા ગામના પાટીયા પાસેથી ચાંદિના દાગીના તથા રોકડ રકમ સાથે આરોપીઓને પકડી યુક્તી-પ્રયુક્તી થી પુછપરછ કરતા ઉપરોક્ત ઘરફોડ ચોરીના ગુન્હાની કબુલાત આપેલ હતી.
પકડાયેલ શખ્સોમાં તસ્કર લખન વિજય રાઠોડ (ઉ.વ.-૨૩, ચેતન વિજય રાઠોડ (ઉ.વ.૨૦) અને નિશા વિજય રાઠોડ (ઉ.વ.૨૨),( રહે.તમામ, ઘાંટવડ ગામ બસસ્ટેન્ડ પાસે, કોડીનાર) ને પકડી ચાંદીના વાઘ નંગ-૦૨, ચાંદીનો કમર પટ્ટો નંગ-૨, ચાંદીની સાંકળી માળા નંગ-૨, ચાંદીના બાવડામા પહેરવાના જેલા નંગ-૨, ચાંદીની બંગળી નંગ-૮, ચાંદીના ઘુઘરી સાંકળા જોડી -૧, ચાંદીના સાંકળા જોડી-૧, ચાંદીના કાંડાના મઠીયા નંગ-૨, ચાંદીના કડા નંગ-ર મળી કુલ ૪ કિલો ૯૧૫ ગ્રામ ચાંદી રૂ.૭.૩૭ લાખ અને રોકડ રૂ.૮૦ હજાર મળી કુલ રૂ.૮.૧૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
જ્યારે આ ગુનામાં સંડોવાયેલ રૂપસંગ રસીક રાઠોડ (રહે.ભુજ મુળ. રહે.ઘાંટવડ ગામ બસસ્ટેન્ડ પાસે) પોલીસ પકડમાં ન આવતાં તેની શોધખોળ યથાવત રખાઈ છે.વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સોમાં લખન અને નિશા દંપતી છે, જ્યારે ચેતન લખનનો નાનો ભાઈ છે. ઘાટવડ ગેંગનો નાનો ભાઈ શંકર જે ઘાટવડ ગામે રહે છે તેના લગ્ન માટે પૈસાની જરૂરિયાત ઊભી થતા તેઓએ ચોરી અંજામ આપ્યો હતો. ચોરી કરી તેઓ પોતાના વતન ઘાંટવડ પહોંચ્યા હતા અને ગયા રવિવારે તેમના ભાઈના ધામધૂમથી લગ્ન કરી તેમાં રોકડ રૂપિયા ૨.૮૦ લાખ વાપરી નાખ્યાની પણ કબુલાત આપી હતી

