(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧૪ઃ
સુરત ખાતે યોજાયેલી જવાહરલાલ નેહરુ જુનિયર હોકી સ્પર્ધામાં અમરેલીના ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કરી રાજ્ય કક્ષાએ રજત પદક પ્રાપ્ત કરી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓની શ્રેષ્ઠ શાળાકીય હોકી ટીમો વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં ગજેરા કેમ્પસ-વિદ્યાસભાની -૧૭ ભાઈઓની હોકી ટીમે કટોકટીભર્યા મુકાબલાઓમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ફાઇનલ સુધીની સફર ખેડી હતી.
ફાઇનલ મુકાબલામાં પણ ટીમે જોરદાર રમત દાખવી હતી અને અંતે રજત પદક પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. આ સિદ્ધિથી અમરેલી જિલ્લાનું નામ રાજ્ય સ્તરે ઉજાગર થયું છે. ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના પ્રતિભાશાળી ખેલાડીઓની આ સફળતાને સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત ગણાવવામાં આવી રહી છે.
રાજ્ય કક્ષાએ રજત પદક મેળવનારી ટીમમાં બારૈયા કુલદીપ, ગોહિલ યુગ, વસાવા મયંક, ભલગરીયા ઇન્દ્રસિંહ, જેઠવા અક્ષય, સોલંકી જેસલરાજ, સરવૈયા સંજય, મકવાણા સુજલ, રાઠોડ રાજન, ચૌહાણ કર્મ, પરમાર માનવ, તારપરા યશ, મકવાણા અસ્મિત, નંદાણીયા કૃપાગ, મોરી દિશાંત અને ચુડાસમા આર્યવીરનો સમાવેશ થાય છે.
ગજેરા કેમ્પસ-વિદ્યાસભા સ્પોટ્ર્સ સ્કૂલની આ સિદ્ધિ પાછળ ખેલાડીઓની સખત મહેનત, વાલીઓનો સહયોગ તેમજ કોચ અને ટ્રેનરો દ્વારા આપવામાં આવતી સઘન તાલીમની મહત્વની ભૂમિકા રહી છે. સંસ્થા દ્વારા શિક્ષણની સાથે રમતગમત અને આત્મરક્ષાના ક્ષેત્રમાં પણ વિદ્યાર્થીઓને નિષ્ણાત માર્ગદર્શન અને સતત તાલીમ આપવામાં આવી રહી છે.
વર્ષ ૧૯૫૯થી શિક્ષણ અને સંસ્કારની ગૌરવશાળી પરંપરા ધરાવતી વિદ્યાસભાએ રમતગમત ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી અનેક પ્રતિભાઓને આગળ વધવાની તક આપી છે. હોકી ક્ષેત્રે રાજ્ય કક્ષાએ મળેલી આ સિદ્ધિથી સંસ્થાની આ પરંપરામાં વધુ એક ગૌરવપૂર્ણ પાનું ઉમેરાયું છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખુંટ તથા કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ વિજેતા ખેલાડી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ કોચ અક્ષયભાઈ સોની, રુચિતભાઈ પટેલ તથા ટ્રેનર સાર્થકભાઈ માલકીયા અને ટ્વીન્કલબેન ગજ્જરની મહેનતને બિરદાવી હતી.

